Site icon Revoi.in

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં M.SCના 65થી વધુ બેઠકો ખાલી

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.માં હાલ અનુસ્નાતક કક્ષાએ પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ થઇ ગયા છે અને ત્રીજા રાઉન્ડનો આરંભ થયો છે. છતાં પુરતી બેઠકો ભરાઈ નથી. સાયન્સના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસમાં વિદ્યાર્થીઓનો પ્રવેશનો ધસારો ઘટી ગયો છે. એમએસસીમાં યુનિ.માં વિવિધ ભવનોમાં કુલ પ્રવેશ ક્ષમતા 1213ની છે તેની સામે બે રાઉન્ડના અંતે માત્ર 422 બેઠકો ભરાઇ છે. એટલે કે 34.79 ટકા બેઠકો ભરાઇ છે. તેની સામે બીએડ અને એમએડમાં સારો ધસારો છે જેમાં બીએડમાં 82.5 ટકા અને એમએડમાં તો પૂરી 100 ટકા બેઠકો ભરાઇ ગઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની યુનિ.માં આ વર્ષે પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં અનુસ્નાતક કક્ષાએ એડમિશન પ્રક્રિયામાં બીએડ અને એમએડમાં સૌથી સારી પરિસ્થિતિ છે. જેમાં એમએડમાં તો કુલ 55 બેઠકો છે અને તે તમામ બેઠકો ભરાઇ ગઇ છે. જ્યારે બીએડમાં કુલ 360 પૈકી 297 બેઠકો ભરાઇ ગઇ છે. એટલે કે શિક્ષણ ક્ષેત્રે રોજગારીની તકો પુન: વધી હોય હવે તેમાં ધસારો વધ્યો છે. જ્યારે એમએસસીમાં આઇસી, આઇટી જેવા ક્ષેત્રે ધસારો ઘટી ગયો છે. તેમજ એમએમાં અંગ્રેજીમાં 314ની ક્ષમતા સામે માત્ર 69 બેઠક ભરાઇ હોય 88 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. આવું જ સંસ્કૃતમાં છે જેમાં કુલ 76 બેઠકો પૈકી 15 બેઠકો જ ભરાતા 80 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર યુનિમાં એમએસસી આઇસી અને એમએસસી આઇટીમાં પણ બેઠકો ખાલી રહી ગઇ છે. જેમાં એમએસસી આઇસીમાં કુલ 225 પૈકી 69 બેઠકો એટલે કે માત્ર 30 ટકા જેવી બેઠકો ભરાઇ ગઇ છે. જ્યારે એમએસસી આઇટીમાં કુલ 375 પૈકી માત્ર 47 જ બેઠકો ભરાતા 88 ટકા જેવી બેઠકો ખાલી રહી ગઇ છે. યુનિ.માં પ્રવેશ કાર્ય ચાલી રહ્યું છે તેમાં બીએડ અને એમએડમાં પ્રવેશ માટે સ્થિતિ સુધરી છે કારણ કે હવે ભરતી શરૂ થઇ હોય ધસારો વધ્યો છે. આ ઉપરાંત તમામ અનુસ્નાતક ફેકલ્ટીમાં જ્યાં બેઠકો ખાલી છે ત્યાં 2 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા થશે અને બેઠકો ભરાઇ જશે એટલે પ્રવેશ બંધ કરાશે.