Site icon Revoi.in

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત 70 લાખથી વધુ લોકોને અપાઈ રસી

Social Share

ભારતે માત્ર 26 દિવસમાં 70 લાખથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં સફળતા મેળવી છે. આવું કરનાર તે દુનિયાનો સૌથી ઝડપી દેશ બન્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આ નોંધપાત્ર સિદ્ધિની ઘોષણા કરી હતી કે,આ આંકડા સુધી પહોંચવામાં યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટનને અનુક્રમે 27 અને 48 દિવસનો સમય લાગ્યો હતો.

મંત્રાલયે કહ્યું કે, દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત 11 ફેબ્રુઆરી 2021 સુધીમાં 74 લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી છે. ભારતીય રાજ્યોમાં ઉત્તરપ્રદેશ,ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છેલ્લા 27 દિવસમાં સૌથી વધુ રસીકરણ નોંધાયું છે.

જાન્યુઆરીની શરૂઆતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડ -19 વેક્સીન કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી હતી.જેને એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેણે ભારત બાયોટેક દ્વારા વિકસિત વેક્સીન કોવાક્સિનના ઇમરજન્સી ઉપયોગને પણ મંજૂરી આપી હતી,જેનો ઉપયોગ કેટલાક સંજોગોમાં થતો હતો. કારણ કે આ રસી હજી ફેઝ 3 ટ્રાયલ હેઠળ છે.

ભારતે ક્રિયાવિધિને સમજવા અને સામે આવી શકે તેવા સંભવિત મુદ્દાઓને ઓળખવા માટે દેશભરમાં બે ડ્રાય રન આયોજિત કર્યા બાદ 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. તેના પ્રથમ તબક્કામાં રજિસ્ટર્ડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને રસીકરણ આપવાનું લક્ષ્ય હતું. રસીકરણ પ્રત્યેની કોઇ ખચકાટ દૂર કરવા વરિષ્ઠ તબીબોએ કોવિડ -19 રસી લીધી હતી. વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપવા માટે પ્રાધાન્યતા પર તકનીકી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.

-દેવાંશી