Site icon Revoi.in

ગુજરાતમાં પાલીસ વિભાગમાં SP, Dy.SP કક્ષાના 70થી વધુ અધિકારીઓની બદલીઓ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ એક કે દોઢ મહિનામાં જ જોહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ત્રણ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં સરકારે સનદી અધિકારીઓની બદલીઓ કરી હતી. હવે પોલીસ વિભાગમાં એસપી અને ડીવાયએસપી કક્ષાના 70 જેટલા અધિકારીઓની બદલીની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. અને ગૃહ વિભાગ દ્વારા ટુક સમયમાં જ બદલીઓના ઓર્ડર જારી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે તેમ સરકારી વિભાગોમાં બદલીઓનો પણ તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ઘણા ખરા વિભાગમાં નાના–મોટા કર્મચારીઓ, અધિકારીઓની બદલીઓ થઇ ગઇ અને થઇ રહી છે. ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેતા પોલીસ તંત્રમાં ચાલી રહેલી બદલી વ્યવસ્થામાં 70થી વધુ એસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની ગમે તે ઘડીએ બદલીના ઓર્ડર નીકળશે. ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પીઆઈ અને પીએસઆઈની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. હવે એસપી અને ડીવાયએસપી કક્ષાના 70 જેટલા અધિકારીઓની બદલીઓ કરાશે. તેના માટેની ડીજી કચેરીએથી ફાઈલ તૈયાર કરીને ગૃહ વિભાગને માકલી આપવામાં આવી હતી. અને ગૃહ વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ બદલીઓના ઓર્ડર કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના પોલીસ વિભાગમાં અલગ અલગ સ્થળોએ એસપી અને ડીવાયએસપી કક્ષાએ ફરજ બજાવતા 70થી વધુ અધિકારીઓ કે જેઓના વર્તમાન ફરજ સ્થળમાં ત્રણ વર્ષ થઇ ચૂકયા છે અથવા તો આગામી ચૂંટણીને ધ્યાને લઇ જે તે વિધાનસભા ક્ષેત્રમાં સબંધિતો દ્વારા જે તે અધિકારીઓની માગણીઓ મુકાય હોય તેવા અધિકારીઓનું લીસ્ટ ગાંધીનગરમાં તૈયાર થઇ ચુકયું હોવાની વાત છે.અંદાજે આ 70થી વધુ અધિકારીઓની બદલીના ઓર્ડર ગમે ત્યારે નીકળશે સાથે સાથે કેટલાંક સિનિયર આઇપીએસની પણ બદલીઓ તોળાઇ રહી છે.