Site icon Revoi.in

સાતમ-આઠમના તહેવારો લીધે શુક્રવારથી સૌરાષ્ટ્રમાં 700થી વધુ એકસ્ટ્રા બસ દોડાવાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું સવિશેષ મહાત્મય છે. આ વખતે સાતમ-આઠમના લોક મેળા યોજાવાના નથી એટલે માટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળોએ ટહેલવા ઉપડી જશે. દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ સહિત રાજયભરમાં એસટી નિગમ દ્વારા જન્માષ્ટમીના તહેવારો અંતર્ગત એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજયભરમાં આ એકસ્ટ્રા સંચાલન અંતર્ગત 700થી વધુ એકસ્ટ્રા બસો જુદા જુદા રુટો પર દોડાવવાની શરુઆત થઈ ગઈ છે જેના કારણે એસટી વિભાગને ખૂબ સારી આવક પણ પ્રાપ્ત થવા લાગી છે.

રાજયમાં કોરોનાના કેસો સાવ ઘટી ગયા છે. જેના કારણે હવે લોકો મુસાફરી કરવાનું પસંદ કરવા લાગ્યા છે. ખાસ કરીને હવે જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા હોય લોકો વધુને વધુ બહાર જવાનું પસંદ કરવા લાગ્યા છે. આથી એસટી તંત્ર દ્વારા વધારાની બસો પણ દોડાવવાની શરુઆત કરી દેવામાં આવી છે. ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારોમાં જે લોકો ગ્રુપમાં બહાર મુસાફરી કરવા માંગતા હોય તેઓ માટે એસટી તંત્રએ ચાલુ વર્ષે ખાસ વ્યવસ્થા કરી છે અને આવા ગ્રુપ બુકીંગ કરાવનારા લોકોને સ્પેશ્યલ બસ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાસ કરીને તહેવારો અનુસંધાને એક સાથે ગ્રુપ બુકીંગ કરાવનારા લોકોને સ્પેશ્યલ બસ ફાળવવામાં આવશે. દાખલા તરીકે એક સાથે કોઈ બાવન વ્યક્તિનું ગ્રુપ બુકીંગ કરાવે તો તેઓને એકસ્ટ્રા ભાડુ લઈ સ્પેશ્યલ બાવન શીટરની બસ ફાળવી દેવામાં આવશે. આ જ રીતે 34 વ્યક્તિઓને બુકીંગ હોય તો તેવા કિસ્સામાં મીની બસ ફાળવવામાં આવશે. આ સ્પેશ્યલ બસો નીયત ભાડા કરતા 0.25 ટકા વધુ ભાડુ લઈ આપવામાં આવશે.
દરમિયાન હાલમાં ચાલી રહેલા એકસ્ટ્રા સંચાલન અંતર્ગત રાજકોટ ડેપો દ્વારા તા.27ને પાંચમથી દૈનિક 32 બસોનું એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. આ અંગે એસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તા.27, તા.28, તા.31 અને તા.1 ના રોજ જામનગર, મોરબી, જુનાગઢ, પોરબંદર, ઉના, ભુજ, અમદાવાદ, બરોડા, સુરત અને દ્વારકા તરફની એકસ્ટ્રા બસ સર્વિસ મળી રહેશે તેમજ કોઈપણ મુસાફરો વધુ સંખ્યામાં ગ્રુપમાં જવા માંગતા હોય તેઓએ રૂબરૂ બસપોર્ટ ખાતે ડેપો મેનેજર ઓફીસ અને એડવાન્સ બુકીંગના કાઉન્ટરે સંપર્ક કરવાનો રહેશે જેથી સ્પેશ્યલ વાહનની વ્યવસ્થા પણ કરી અપાશે.