રાજ્યમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા થયાં
અમદાવાદઃ ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વર્ષ 2018માં ‘ગોબર ધન યોજના‘ અમલમાં મૂકી હતી. ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘ થકી ક્રાંતિ આવી છે. ગુજરાતમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં કુલ 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની આવક વધારીને તેમને આત્મનિર્ભર બનાવવામાં બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. ગોબરગેસ પ્લાન્ટમાંથી નાગરિકોને જાતે જ બળતણ ગેસ ઉત્પાદિત કરતા થયા છે, જેના પરિણામે તેમનો બળતણનો ખર્ચ ઝીરો થયો છે. આ સાથે જ વાર્ષિક રૂ. 12 હજાર થી 25 હજાર જેટલી કિંમતના એલ.પી.જી. ગેસની પણ બચત થઈ રહી છે.
ગુજરાત રાજ્ય ૨ ઘન મિટર ક્ષમતા ધરાવતા 7600 જેટલા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. 7600ના લક્ષ્યાંક સામે રાજ્યના 33 જિલ્લાઓને મળી અત્યાર સુધીમાં કુલ 7147 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી ગોબર ધન યોજના પર્યાવરણ અનુકુલિત છે. પશુઓના છાણનો ઈંધણની જગ્યાએ ગોબરગેસ પ્લાન્ટમાં ઉપયોગ થાય તો, પ્રદૂષણ ઘટવાની સાથે ગ્રામીણ પરિવારોને ઘર વપરાશ માટેનો ગેસ મળે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીનો ખાતર તરીકે સીધો ખેતરમાં ઉપયોગ કરી શકાય છે.
તેમણે ઉમેર્યું કે, સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહન આપતા ગોબરધન પ્રોજેકટના સુચારૂ અમલીકરણ માટે ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), અમૂલ ડેરી, બનાસ ડેરી, દૂધસાગર ડેરી, સાબર ડેરી અને ભારત બાયોગેસ એનર્જી લી.(BBEL)ને મુખ્ય અમલીકરણ એજન્સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ગોબરગેસ પ્લાન્ટ સ્થાપવામાં સહાય કરવા ઉપરાંત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા NDDB મારફત લાભાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગત વર્ષે આણંદમાં 25 જિલ્લાના 1300 થી વધુ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોબર ધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની કુલ કિંમત રૂ. 42 હજાર છે. જેમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા રૂ. 25 હજારની સબસિડી આપવામાં આવે છે, તેમજ રૂ. 12 હજાર મનરેગા યોજના હેઠળ આપવામાં આવે છે. બાકી રહેલા રૂ. પાંચ લોકફાળા રૂપે લાભાર્થી પાસેથી ઉઘરાવવામાં આવે છે. ગોબર ધન યોજના એક છે પણ તેના લાભ અનેક છે. એટલા માટે જ, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગોબરગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની આ યોજનાને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે.