ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 7900થી વધારે વ્યક્તિઓના મોત
- ઈઝરાયલમાં 1400 અને ગાઝામાં 6500 વ્યક્તિઓના મોત
- યુદ્ધમાં હજારો વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા
- છ લાખથી વધારે ગાઝાવાસીઓએ કર્યું હિઝરત
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં માનવતાના દુશ્મન હમાસનો ખાતમો કરવા માટે સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 7900 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાયલ ઉપર હમાસે કરેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધારે ઈઝરાયલી નાગરિકોના મોત થયાં છે. બીજી તરફ ઈઝરાયલની કાર્યવાહીમાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 6500થી વધારે નાગરિકોના મોત થયાં છે. એટલું જ નહીં હમાસના અનેક આતંકવાદીને ઈઝરાયલને ઠાર કરવામાં આવ્યાં હતા.
ઈઝરાયલ દ્વારા હમાસના આતંકવાદી હુમલા બાદ ગાઝા પટ્ટીમાં વીજળી અને પાણી સહિતની અનેક સેવાઓ બંધ કરી છે. જેના પરિણામે ગાઝા પટ્ટીના સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈઝરાયલ ઉપર હુમાસના આતંકવાદીઓએ હુમલો કરીને નરસંહાર કર્યો છે. જેની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે.
હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલ સરકારે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં 3.50 લાખથી ચાર લાખ જવાનોને ગાઝામાં જમીની ઓપરેશન માટે મોકલ્યાં છે. બીજી તરફ ઈઝરાયલની સરકારે ગાઝાની જનતાને વિસ્તાર ખાલી કરવા તાકીદ કરી હતી. અત્યાર સુધીમાં છથી સાત લાખ ગાઝાવાસીઓએ હિઝરત કર્યું છે.