માતા વૈષ્ણોદેવીના ચાલુ વર્ષે 80 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
- નવરાત્રિ પર્વમાં ચાર લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું
- પવિત્ર ગુફામાં દરરોજ સરેરાશ 40 હજાર શ્રદ્ધાળુઓ આવે છે
- 11 વર્ષ બાદ ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા એક કરોડને પાર પહોંચવાની આશા
નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીના પવિત્ર ગુફા મંદિરના દર્શને જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 80 લાખને પાર થઈ ગઈ છે. 11 વર્ષ બાદ આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા એક કરોડ સુધી પહોંચી શકે છે. નવરાત્રિના નવ દિવસ સહિત છેલ્લા 10 દિવસ દરમિયાન 4 લાખ શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા. પવિત્ર ગુફામાં દરરોજ સરેરાશ 35 થી 40 હજાર શ્રદ્ધાળુઓ આવે છે.
નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણો દેવી ભવનમાં 4 મોટા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં સ્કાયવોક, પાર્વતી ભવનનું નવીનીકરણ, વિસ્તરેલ અટકા વિસ્તાર અને ભૈરોન ખીણમાં યાત્રાળુઓ માટે મફત લંગરનો સમાવેશ થાય છે. 12 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્કાયવોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્કાય વોક નવરાત્રી દરમિયાન યાત્રાના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સતત વિકાસ કાર્યોને પગલે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણ દેવી અને અમરનાથ યાત્રામાં બાબાના દર્શન કરવા આવી રહ્યાં છે. શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની સાથે સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.