અમદાવાદ : સાયન્સ સિટી ખાતે આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ઉપરાંત ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજ છેલ્લાં ૧૫ વર્ષથી દેશભરમાં નશામુકત ભારતના કાર્યક્રમો ચલાવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયક છે. ગુરુદેવે થોડા સમય પહેલા જ પંજાબ રાજ્યમાં ૨૫,૦૦૦થી વધુ લોકોને નશામાંથી મુક્તિ અપાવી હતી અને સારા નાગરિકની જેમ જીવન જીવવાની દિશા બતાવી છે. તેઓ અનેક સંસ્થાઓમાં અને કોલેજોમાં નશામુક્તિના કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવાનું મોટું કામ કરે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૨ લાખ જેટલું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં નશામુકત ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. અને ગુરુજીના આ અભિયાન થકી તેને વધુ વેગ મળશે અને ગુજરાત જ નહીં પરંતુ સંપૂર્ણ દેશ નશામુક્ત થશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે આ અભિયાન સાથે સંકળાયેલા અલગ અલગ ક્ષેત્રોના કલાકારોને બિરદાવવાની સાથે સાથે યુવાનોને નશામુક્ત અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા દોઢ વર્ષમાં ૫,૩૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડીને યુવાનોનું જીવન બચાવ્યું છે. ડ્રગ્સ માફિયાઓની નાણાકીય શક્તિ પર પ્રહાર કરવાની સાથે સાથે યુવાનોને વ્યસનમાંથી મુક્ત રાખવા માટે સરકાર તથા પોલીસ વિભાગ પ્રયત્નશીલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને સંસ્થાઓના પ્રયાસોથી ૮૦૦થી વધારે વિદ્યાર્થીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી છોડાવીને સાચા રસ્તે વળવા પ્રયત્ન કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ આશાસ્પદ યુવાન અને તેના પરિવારનાં સપનાંઓ તૂટતાં બચાવવા માટે પોલીસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ મિશન પર કાર્યરત છે. જેમાં શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય લોકો પણ સહયોગ આપે, તેવી તેમણે અપીલ કરી. તેમણે ઉમેર્યું કે, એવા તમામ કાર્યક્રમો કે જેમાં યુવાનો જોડાય છે ત્યાં વ્યસનમુક્તિનો સંદેશ આપવો જોઈએ. યુવાનોને કાયદાના દબાણ વગર જાગૃત કરવા એ અમારો સંકલ્પ છે, એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે નાગરિકોને ખરાબ આદત ધરાવતા યુવાનો કે ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ આવી પ્રવૃત્તિનો ખ્યાલ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ અને અહીંના લોકોની કળા અને પ્રેમ જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ માનવીમાં ચિંતા ખૂબ જ વધુ માત્રામાં વધી જાય છે ત્યારે તેઓ તે ચિંતામાંથી મુક્ત થવા માટે નશાકારક પદાર્થોનું સેવન કરે છે અને તેનાથી તેઓ ડ્રગ્સના રસ્તા તરફ વળે છે અને પોતાની જિંદગી ખોઈ બેસે છે. આ પરિસ્થિતિ ખૂબ જ દુઃખદાયક છે, આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર લાવવા માટે નશામુકત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અને સાથે સાથે અન્ય રાજયોની સંસ્કૃતિને દેશ-વિદેશમાં પ્રજ્વલિત કરી છે તેમ આપણે પણ નશામુકત ભારત અભિયાનને વેગ આપી દેશ-વિદેશમાં નશામુક્ત ભારતની છાપ ઊભી કરીએ, તેમ તેઓએ જણાવ્યું હતું.
તેમણે યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, જો જીવનમાં કોઈ નશો કરવો હોય તો પ્રેમ, કળા, સંગીત, યોગ આ પ્રકારના નશા કરી પોતાના અને લોકોના વિકાસ માટે કાર્ય કરવું જોઈએ. શ્રી શ્રી રવિશંકરજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓને ‘નશા ન કરેંગે ઔર ન કરને દેંગે’ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.