Site icon Revoi.in

રાજકોટમાં 8000થી વધુ પશુઓનું ટેગીંગ કરાયું, રખડતા ઢોરની સમસ્યા દૂર થઈ હોવાનો તંત્રનો દાવો

Social Share

રાજકોટઃ શહેરમાં રખડતા ઢોર સામે કડક કાયદાનો અમલ શરૂ કરાયા બાદ હવે શહેરમાં રખડતા ઢોર જોવા મળતા નથી. પશુ નિયંત્રણ કાયદા અંતર્ગત શહેરમાં રહેલા બધા પશુઓનું ટેગીંગ કરવાની કામગીરી હાલ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં શહેરમાં 8 હજાર કરતા વધુ પશુઓનું રજિસ્ટ્રેશન કરાયું છે. પશુઓ પર ટેગીંગને લીધે હવે શહેરમાં રખડતા ઢોર મળે તો પશુના માલિકનું નામ સરનામા સહિત વિગતો જાણવા મળી શકશે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના વેટરનરી વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં  પશુ નિયંત્રણ કાયદાનાં કડક અમલ બાદ છેલ્લા વર્ષમાં રખડતા ઢોરના રજીસ્ટ્રેશન અને ટેગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી 100 ટકા પૂરી થઇ ચુકી છે. અને શહેરમાં પાલતુ પશુની સંખ્યા 8 હજાર કરતા વધુ છે. તેમાં સામાન્ય વધઘટ થતી હોય છે. નિયમોનો કડક અમલ થતા પશુઓના ત્રાસમાં ઘટાડો દેખાઇ રહ્યો છે. અગાઉ રોજ 60થી 70 ફરિયાદ રહેતી હતી. હવે દૈનિક સરેરાશ 10થી 20 ફરિયાદ આવી રહી છે. અમુક શેરી-ગલીઓમાં માલિકીની જગ્યામાં પશુ રાખવામાં આવી રહ્યા છે, પરંતુ રોડ પર છોડવામાં આવે તો જપ્ત કરવાની ચેતવણી અપાય છે.

હાલ કોઠારીયા, રોણકી અને મવડીની એનિમલ હોસ્ટેલ ફુલ થઇ ગઇ છે. જ્યારે મોટામવા ખાતે નવી એનિમલ હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે. ઢોર ડબ્બામાં હવે સંખ્યા બહુ વધતી નથી. કારણ કે માલિકીના ઢોર મોટા ભાગે જે તે પશુ પાલકની જગ્યામાં છે અને બાકીના ઢોર ડબ્બા મારફત પાંજરાપોળને મોકલી આપવામાં આવે છે. જેને લઈને રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ મહદઅંશે ઘટ્યો છે.

સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, શહેરમાં માલિકીની જગ્યા વગર ઢોર પકડાય તો આકરા દંડ અને પોલીસ ફરિયાદ સુધીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. અનેક રજૂઆતો અને માથાકૂટો વચ્ચે આ અમલ શરૂ કરાયો હતો. રોડ પરથી પકડાતું પશુ નહીં છોડવાથી માંડી જાહેરમાં ઘાસચારો પણ નહીં ફેંકવાના નિયમનો કડક અમલ શરૂ કરાયો હતો.