Site icon Revoi.in

અમદાવાદઃ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 8000થી વધુ નવા મતદારોના ફોર્મ ભરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ ડેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી પંચે રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ઘર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં 30મી નવેમ્બર સુધીમાં નવા ચૂંટણી કાર્ડ સહિત કાર્ડમાં સુધારા અને વધારા માટે મતદાન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિવર્ષ મતદાન નોંધણીમાં ઓફલાઇન ફોર્મ વધુ ભરાઇને આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાને લીધે ઓનલાઇન મતદાન નોંધણીમાં વધારો થયો છે. પહેલી નવેમ્બરથી અત્યાર સુધીમાં 77 ટકા લોકોએ નોંધણી કરાવી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 18થી 19 વર્ષના 10,922 લોકોએ મતદાન નોંધણી માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં ચૂંટણી પોલિંગ બુથ પર દર રવિવારે મતદાર સુધારણા કાર્યક્રમ હાથ ઘરવામાં આવ્યો છે. જેમાં નવા મતદારોની નોંધણી, મતદારના સરનામાં ફેરફાર, મતદાર યાદીમાં નામ કમી, વગેરે કાર્ય કરાશે. ગત રવિવારે ઘણાબધા શહેરીજનોએ મતદાર બુથ કેન્દ્રમાં જઈને મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરી હતી. પહેલી નવે.થી અત્યાર સુધીમાં 20થી 29 વર્ષના 8,504 ફોર્મ, નામ કમી માટે 5,590 , સુધારા માટે 8,777 અને એક જ વિધાનસભામાં વિસ્તાર સ્થળાંતર માટે 2500 ફોર્મ ભરાઇને આવ્યા હતા. જિલ્લા ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર મતદાર યાદીમાં નામ નોંધાવવા, સુધારા – વધારા કરાવવા અથવા નામ કમી કરાવવા દર રવિવારે પ્રત્યેક મતદાન મથકો પર 30મી નવે.સુધીમાં મતદાર નોંધણી કાર્યક્રમ યોજાશે. આ મતદાર યાદીની પ્રસિધ્ધિ જાન્યુઆરી મહિનાના અંતમાં જાહેર થશે, ત્યારબાદ નોંધાયેલા મતદારોને ફેબ્રુઆરીમાં ચૂંટણી કાર્ડ મળશે. ગત સપ્ટે.મહિનામાં ફોર્મ ભરનારને હાલ ચૂંટણી કાર્ડ મળી રહ્યા છે. નવા ચૂંટણી કાર્ડ સહિત નામ કમી કરવા અને સુધારા-વધારા માટે ચૂંટણી પંચની વેબસાઇટ nvsp.in પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.