Site icon Revoi.in

ગુજરાતની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ

Social Share

અમદાવાદઃ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૯ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૩ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૧ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં ૨,૬૭,૮૦૭ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૬૦,૫૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૩.૧૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૫૦.૪૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે .

(Photo-File)