Site icon Revoi.in

CDSCOમાં હાલમાં 95 ટકાથી વધુ નિયમનકારી પ્રક્રિયાઓને ડિજિટાઇઝ કરવામાં આવી છે: જે.પી.નડ્ડા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં 19મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઑફ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ (ICDRA)નું ઉદઘાટન કર્યું હતું. આ આયોજન ભારતમાં પહેલી વખત 14થી 18 ઓક્ટોબર દરમિયાન થઈ રહ્યું છે. આ આયોજન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં 194થી વધુ ડબ્લ્યુએચઓના સભ્ય દેશોના નિયમનકારી અધિકારીઓ, નીતિ ઘડવૈયાઓ અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.

આ પ્રસંગે સંબોધન કરતાં જેપી નડ્ડાએ વૈશ્વિક સ્તરે હેલ્થકેરનાં માપદંડો વધારવા અને જાહેર સ્વાસ્થ્યનાં સંરક્ષણ માટે સહિયારી કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અભૂતપૂર્વ કોવિડ 19 મહામારી દરમિયાન ભારત સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિસ્થાપકતા અને નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે ઊભરી આવ્યું હતું, એટલું જ નહીં, વિશ્વની ફાર્મસી તરીકેની તેની ભૂમિકાની પુષ્ટિ પણ કરી હતી. “ભારતે ઝડપથી તેના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કર્યો અને સ્થાનિક અને વૈશ્વિક બંને માંગને પહોંચી વળવા માટે રસીનું ઉત્પાદન વધાર્યું. એક અબજથી વધુ લોકોને આવરી લેતા કોવિડ-19 રસીકરણ કાર્યક્રમનું સફળ અમલીકરણ આપણી હેલ્થકેર સિસ્ટમની મજબૂતાઈ, આપણા આરોગ્ય કર્મચારીઓની કટિબદ્ધતા અને આપણી નીતિઓની મજબૂતાઈનો પુરાવો છે.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે વિશ્વનાં દેશો માટે આવશ્યક દવાઓ, રસીઓ અને તબીબી પુરવઠાની વાજબી સુલભતા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વસુધૈવ કુટુંબકમ – વિશ્વ એક પરિવારનાં સિદ્ધાંતથી પ્રેરિત થઈને અમે 150થી વધારે દેશોને અમારો સાથ સહકાર આપ્યો છે, જેમાં રોગચાળા દરમિયાન જીવનરક્ષક દવાઓ અને રસીઓ પ્રદાન કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એકતાની આ ભાવના વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ભારતનાં દ્રષ્ટિકોણનાં હાર્દમાં છે. અમારું માનવું છે કે અમારી પ્રગતિ વિશ્વની પ્રગતિથી અવિભાજ્ય છે, અને આ રીતે, અમે વૈશ્વિક આરોગ્ય સુરક્ષા અને ટકાઉપણામાં ફાળો આપવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

નડ્ડાએ નોંધ્યું હતું કે, “આઇસીડીઆરએ પ્લેટફોર્મ જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા, ભાગીદારી વધારવા અને નિયમનકારી માળખું વિકસાવવા માટે અવકાશ પ્રદાન કરે છે, જે દુનિયાભરમાં તબીબી ઉત્પાદનોની સુરક્ષા, અસરકારકતા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરે છે.”

સીડીએસસીઓની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, “તેમણે દેશમાં સુરક્ષિત અને અસરકારક દવાઓ અને તબીબી ઉપકરણોને મંજૂરી આપવા માટે તથા દુનિયામાં 200થી વધારે દેશોમાં નિકાસ કરવા માટે મજબૂત વ્યવસ્થા વિકસાવી છે.” તેમણે જણાવ્યું હતું કે, વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત દવાની ઉપલબ્ધતા મૂળમાં છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે, “આજે 8 ડ્રગ ટેસ્ટિંગ લેબ કાર્યરત છે જ્યારે 2 વધુ પાઇપલાઇનમાં છે. આયાત કરવામાં આવતી દવાઓ અને કાચા માલના ઝડપી પરીક્ષણ અને પ્રકાશન માટે વિવિધ બંદરો પર 8 મીની પરીક્ષણ પ્રયોગશાળાઓ કાર્યરત છે. આ ઉપરાંત 38 સ્ટેટ ડ્રગ રેગ્યુલેટરની ટેસ્ટિંગ લેબ કાર્યરત છે. એકંદરે, નિયમનકારી દેખરેખ તંત્ર હેઠળ દર વર્ષે એક લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે.”

કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, “સીડીએસસીઓમાં અત્યારે 95 ટકાથી વધારે નિયમનકારી પ્રક્રિયાઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે, જે પારદર્શકતા લાવે છે અને હિતધારકોમાં વિશ્વાસ વધારે છે.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “હેલ્થકેર ડિલિવરીમાં તબીબી ઉપકરણોનાં મહત્ત્વને ધ્યાનમાં રાખીને ભારતમાં ચિકિત્સા ઉપકરણનાં ઉદ્યોગનું નિયમન પણ થઈ રહ્યું છે. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ ગાઇડલાઇન્સને વધુ વ્યાપક અને ડબ્લ્યુએચઓ-જીએમપી માર્ગદર્શિકાની સમકક્ષ બનાવવા માટે ડ્રગ્સ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.”

એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે દવાની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે, દવા ઉત્પાદનોની ટોચની 300 બ્રાન્ડમાં બાર કોડ અથવા ક્વિક રિસ્પોન્સ કોડ (ક્યુઆર કોડ) પ્રદાન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એ જ રીતે, તમામ એપીઆઇ પેક્સ પર ક્યૂઆર કોડ ફરજિયાત છે, જે ભારતમાં આયાત કરવામાં આવે છે અથવા ઉત્પાદિત થાય છે.

કેન્દ્રીય મંત્રીએ વૈશ્વિક સ્વાસ્થ્યને આગળ વધારવા માટે ભારતની સંપૂર્ણ કટિબદ્ધતા પર ભાર મૂકીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું. “અમે 3 એસએસ એટલે કે “સ્કિલ, સ્પીડ એન્ડ સ્કેલ”માં માનીએ છીએ અને આ ત્રણ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે કોઈ પણ સમાધાન વિના વૈશ્વિક ગુણવત્તા ધોરણોનું પાલન કરવાની સાથે સાથે ફાર્મા ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. અમે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સથી માંડીને જીવન રક્ષક સારવારની સમાન સુલભતા સુનિશ્ચિત કરવા સુધીના મહત્ત્વપૂર્ણ પડકારોનું સમાધાન કરવા તૈયાર છીએ. અમે આ સંવાદમાં માત્ર સહભાગી જ નથી; અમે એક સ્વસ્થ, સુરક્ષિત અને વધારે સ્થિતિસ્થાપક દુનિયાનું નિર્માણ કરવામાં ભાગીદાર છીએ.”

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં મહાનિદેશક ડો. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસ તેમનાં વક્તવ્યમાં આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક નિયમનકારી મંચનું આયોજન કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી અને ઔષધિ વિનિયમનમાં વૈશ્વિક સહકારનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, મહામારી પછીની દુનિયા અને હેલ્થકેરમાં એઆઇનાં સલામત ઉપયોગ જેવા પડકારોને ધ્યાનમાં રાખીને.