Site icon Revoi.in

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચાર હજારથી વધારે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે નામાંકન સબમિટ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ છે. હવે ઉમેદવારી ફોર્મની ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 21 થી 30 ઓક્ટોબર દરમિયાન 4 હજારથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા છે અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. છેલ્લા દિવસે 2489 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજનના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 21 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. ઉમેદવારી પત્રો સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 31 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે સબમિટ કરાયેલા 4359 ઉમેદવારોના નામાંકન ફોર્મની સમીક્ષા એટલે કે 31 ઓક્ટોબરે કરવામાં આવશે. જ્યારે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર છે. સમગ્ર રાજ્યમાં 17 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. અહીં, નોમિનેશનની સૂચનાઓ રજૂ કર્યા પછી, ઉમેદવારી પાછી ખેંચવા માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં બંને પક્ષોમાંથી બળવાખોરોએ ઉમેદવારી નોંધાવતા બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસનું ગણિત ખોરવાઈ જશે, જેના કારણે હવે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા બળવાખોરોને મનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મોટી બેઠકો પર બગડતા સમીકરણને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે બળવાખોરોને મનાવવાની જવાબદારી લીધી છે. જ્યારે કોંગ્રેસમાં પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને રણદીપ સુરજેવાલાએ ફોન કરીને બળવાખોરોને શાંત પાડવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ દ્વારા મધ્યપ્રદેશમાં જંગી જનસભાઓ અને રેલીઓ સંબોધી રહ્યાં છે.