- અફ્ઘાનિસ્તાનમાં લોકોની હાલત ખરાબ
- અડધા ઉપરની વસ્તી ભૂખમરાનો શિકાર
- અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ બાદ હાલત ખરાબ
દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે એક રિપોર્ટમાં તેના વિશે જણાવાવમાં આવ્યું છે. સ્પેશિયલ ઈન્સપેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન રિકન્સ્ટ્રક્શનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની અડધો અડધ વસતિ ભૂખમરાનો ભોગ બની છે અને એમાંથી 10 લાખ લોકો ઉપર તો જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે.
રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનના બે કરોડ લોકો ભૂખમરામાં ધકેલાઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં માનવીય કટોકટી સર્જાઈ ગઈ હોવાથી તમામ સેવાઓ ઉપર અને લોકોના જીવન ધોરણ ઉપર તેની અસર પડી છે. અફઘાનિસ્તાનના લોકો ચારેબાજુથી ત્રસ્ત થઈ ગયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનમાં સર્જાયેલી આ માનવીય કટોકટીના કારણે આગામી સમયમાં ૩૨ લાખ અફઘાન બાળકો કુપોષણનો શિકાર બનશે. યુએનના અગાઉના અહેવાલમાં એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ૨૦૨૨ના અંત સુધીમાં અફઘાનિસ્તાનની 80થી 90 ટકા વસતિ ગરીબી રેખાની નીચે આવી જશે અને તેની પાછળ રાજકીય-આર્થિક સંકટ કારણભૂત હશે.
તાલિબાનના શાસનના છ મહિના થવા છતાં સ્થિતિ હજુય થાળે પડી નથી. દિવસે દિવસે દેશમાં અસ્થિરતા વધતી જાય છે. અફઘાનિસ્તાનમાં પ્રશાસનીય ઢાંચો સાવ નેસ્તનાબુદ થઈ ગયો હોવાથી આર્થિક – રાજકીય સંકટ વધારે ઘેરું બન્યું છે. અફઘાનિસ્તાનમાં લોકોની હાલત સુધરે તે માટે માનવીય ધોરણે સહાય મળે તે જરૂરી છે.