જામનગરમાં કસ્ટમ વિભાગની ઓફિસમાંથી રૂ. એક કરોડથી વધુનું સોનું થયું ગાયબ !
અમદાવાદઃ જામનગરમાં કસ્ટમ વિભાગની ઓફિસમાંથી રૂ. એક કરોડથી વધુની કિંમતનું સોનુ ગાયબ થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તપાસ આરંભી છે. આ પ્રકરણમાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગનું સોનું જામનગર કસ્ટમ ઓફિસમાં ખસેડવામાં આવ્યું હતું. 2016ના વર્ષમાં સોનું પરત કરતી વખતે સોનું ઓછું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે સોનું પરત કરવામાં આવ્યું ત્યારે 2156.722 ગ્રામ સોનું ઓછું નીકળ્યું હતું. આ સોનાની કિંમત આશરે 1.10 કરોડ રૂપિયા થાય છે. સોનું ગાયબ થયાનું માલુમ પડતા જામનગર કસ્ટમ વિભાગને ભુજ કસ્ટમ વિભાગે પત્રો પણ લખ્યાં હતા. જો કે, સોનું નહીં મળતા સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ મામલે ઓફિસના કર્મચારી તરફ જ શંકાની સોય તાકવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.