- ગાંધીનગર એસઓજીએ ગાંજાના જથ્થા સાથે વેપારીની કરી ધરપકડ,
- ગાંજાની લત લાગતા યુવાનોની ગલ્લા પર ભીડ રહેતી હતી,
- ગાંજો સપ્લાય કરનારા શખસની શોધખોળ
ગાંધીનગરઃ મહાનગરોમાં ડ્રગ્સની દૂષણ વધી રહ્યું છે. નવી પેઢી ખાસ કરીને યુવાનો ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે. ત્યારે ગાંધીનગર એસઓજીએ ડ્રગ્સનું વેચાણ કરતા પાર્લરો પર વોચ રાખી હતી દરમિયાન ખોરજના એક પાન પાર્લરમાં ગાંજો વેચાતો હોવાની બાતમી મળી હતી. આથી એસઓજી ટીમે ખરાઈ કર્યા બાદ રેડ પાડીને એક કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી છે.
ગાંધીનગરના ખોરજ વિસ્તારમાં ટેબલીમાં એક પાન પાર્લરની આડમાં નાર્કોટિક્સનો વેપલો થતો હોવાની બાતમીનાં આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડી 1 કિલોથી વધુ ગાંજાનાં જથ્થા સાથે એક ઈસમે ઝડપી લઈ અંદાજીત 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના ખોજરના પાન પાર્લરોમાંથી ગાંજો ઝડપાતા અંદાજો લગાવી શકાય કે યુવાધનમાં ગાંજો પીવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ખોરજમાં ટેબલી વિસ્તારમાં એક પાન પાર્લરની આડમાં ચાલતાં નશાના કારોબારનો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી લેવાયો છે. એસઓજી પીઆઈ વી ડી વાળાની ટીમને બાતમી મળી હતી કે, ખોરજ ગામ ટેબલી વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર ચલાવતો લક્ષ્મણજી ઉર્ફે કાળાજી બાદરજી ઠાકોર (રહે. ખોરજ) પાન પાર્લરમાં ગેર કાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી છૂટથી વેચાણ કરી રહ્યો છે. જે હકીકતના આધારે એસઓજી પોલીસે ઉક્ત પાન પાર્લર પર ત્રાટકી હતી. જ્યાં નશાનો વેપારી લક્ષ્મણજી ઉર્ફે કાળાજી બાદરજી જીવાજી ઠાકો૨ હાજર મળી આવ્યો હતો. બાદમાં પોલીસે પાર્લરની કેબીનમાં તપાસ કરતા કાઉન્ટરની પાછળ એક બેગમાંથી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેનું વજન કરતાં એક કિલોથી વધુ ગાંજાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. અંગે લક્ષ્મણજી એ કબૂલાત કરેલ કે, ગાંજાનો જથ્થો હેમુ નામના ઈસમ પાસેથી લાવીને છૂટક વેચાણ કરતો હતો. જેનાં પગલે એસઓજીએ અંદાજીત 20 હજારના મુદ્દામાલ સાથે લક્ષ્મણજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.