અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના રંગબેરંગી ફુલોના નજારાને માણવા માટે શહેરીજનો ઉમટી રહ્યા છે. રવિવારે એક લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, તેના લીધે એએમસીને ટિકિટની આવક પણ સારીએવી થઈ રહી છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને પહેલા દિવસથી જ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શનિ-રવિની રજાના બે દિવસમાં કુલ 1.25 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. જેમાં સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ફ્લાવર શોના ઉદ્ઘાટનના પહેલા દિવસે 25,000 લોકોએ મુલાકાત લીધી હતી.
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં શહેરીજનોનો ભારે ધસારો રહેતો હોય છે. 30 ડિસેમ્બરના રોજ શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9:00 વાગ્યે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી. શનિવારે કુલ 18,000 લોકોએ ટિકિટ લઈને પ્રવેશ મેળવ્યો હતો. બાર વર્ષથી નીચેના બાળકો માટે મફત પ્રવેશ છે. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે ટિકિટ રાખવામાં આવી છે. આમ એક દિવસમાં અંદાજિત 25,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023નો અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બર રવિવારે ફ્લાવર શો જોવા માટે સવારથી જ ભીડ ઉમટી હતી. સાંજના સમયે આખો ફ્લાવર શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. રવિવારે કુલ 72 હજાર જેટલા લોકોએ ટિકિટ લઈ પ્રવેશ લીધો હતો. તેથી મ્યુનિ.ને ટિકિટની સારીએવી આવક થઈ હતી.
એએમસીના બાગાયત વિભાગના સૂત્રોના કહેવા મુજબ વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે. જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યુ છે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડતા હોય છે જેના પગલે ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં 10 અને એલિસબ્રિજ નીચે 10 જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટના પૂર્વ છેડા તરફ પણ પાંચ જેટલી ટિકિટબારી રાખવામાં આવી છે. જોકે પૂર્વ તરફથી જે લોકો આવશે તેઓએ અટલબ્રિજની ટિકિટ લઈને ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો માટે પ્રવેશ મેળવવો પડશે. ફ્લાવર શો જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ફ્લાવર શો જોવા માટે 12 વર્ષથી ઉપરના વ્યક્તિની પ્રવેશ ફી રૂ. 50 રાખવામાં આવી છે. સોમવારથી શુક્રવાર સુધી આ દર રહેશે. જ્યારે શનિ-રવિ રૂ. 75 પ્રવેશ ફી રાખવામાં આવી છે. તમામ સેન્ટર ઉપર પણ ફ્લાવર શોની ટિકિટ મળી રહેશે. આ ઉપરાંત ઓનલાઈન પણ લોકો QR કોડ સ્કેન કરી અને ટિકિટ મેળવી શકે છે.