- યુપીમાં લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા
- એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારાયા
- સીએમ યોગીના કડક આદેશ
- ફરીવાર લાગશે તો પગલાં લેવાશે
લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો હતો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે કે જે લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા તેનો ફરીથી ઉપયોગ ન થાય.
શનિવારે સાંજે ઝાંસી પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી, વિકાસ કાર્યોની વિભાગીય સમીક્ષા કરી અને દાવો કર્યો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે. તેમણે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે દૂર કરાયેલા લાઉડસ્પીકર ફરીથી ચાલુ ન થાય.
યોગીએ કહ્યું કે ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક સ્થળોના પરિસરમાં સીમિત હોવા જોઈએ, રસ્તા પર કોઈ ઉત્સવનું આયોજન ન કરવું જોઈએ અને આ કાર્યક્રમોથી સામાન્ય નાગરિકોને કોઈ અસુવિધા ન થવી જોઈએ.
નોંધનીય છે કે,રાજ્યમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા ગેરકાયદે લાઉડસ્પીકરોને હટાવવા અને અન્ય લાઉડસ્પીકરના અવાજને નિર્ધારિત મર્યાદા સુધી મર્યાદિત કરવાની ઝુંબેશ 25 એપ્રિલથી શરૂ થઈ હતી અને 1 મે સુધી ચાલી હતી.