ગુજરાતમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખથી વધુ વેક્સિનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં2 કરોડ 6457 હજાર 493 પ્રથમ ડોઝ અને 85 લાખ 43 હજાર 595 બીજો ડોઝ એમ સમગ્રતયા 3,50, 01,034 ડોઝ વેક્સિનેશન થયું છે. તા.5મી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં 5.81 લાખથી વધુ વેક્સિનેશન ડોઝ આપીને પણ એક દિવસમાં સૌથી વધુ વેક્સિનેશન ડોઝ આપવાની સિદ્ધી હાંસલ કરી છે.
સમગ્ર રાજયમાં તા.16જાન્યુઆરી-2021 થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ 6,22,949 લાખને પ્રથમ ડોઝ તેમજ 5,10,673 હેલ્થ કેર વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 31મી જાન્યુઆરી-2021થી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 13,42, 611 ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા 10,05, 640 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
1 લી માર્ચ-2021 ના રોજ થી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45 થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તા. 1લી એપ્રિલ-2021ના રોજથી 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-19ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 45થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ 1,25,26, 372 લોકોને પ્રથમ ડોઝ તેમજ 62,45,766 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો..
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. 1લી મે-2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18-44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. 4 થી જુન-2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં આ વય જુથના 1,19,65,507 કરોડ પ્રથમ ડોઝ અને 7,81,516 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ, સમગ્રતયા તા. 05-08- 2021 સુધીમાં રાજ્યમાં તમામ જુથોના 2,64,57,439 પ્રથમ ડોઝ તથા 85,43,595 બીજો ડોઝ મળી કુલ 3,50,01,034 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.