Site icon Revoi.in

અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં બે લાખ કિલોથી વધુ કેસર કેરીની નિકાસ કરાઈ

Social Share

અમદાવાદઃ જિલ્લાના બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી તેની નિકાસ કરવામાં આવી હતી. આમ ગુજરાતની કેસર કેરીનો મધૂર સ્વાદ વિદેશોમાં પહોંચ્યો છે.

રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ હસ્તકની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રૂ. 20 કરોડના ખર્ચે આ રેડિયેશન પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિટને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર તેમજ બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઇસોટોપ ટેક્નોલોજીના માર્ગદર્શન અને ટેક્નીકલ સમર્થન હેઠળ તૈયાર કરાયું છે. વર્ષ 2022માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ દ્વારા મંજૂરી મળતા આ યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું  સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ કેરી સહિત વિવિધ ફળોની નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. હવે આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવી નિકાસ કરી તેમના પાકનો ઉત્તમ ભાવ મેળવતા થયા છે. કૃષિ વિભાગના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા અમદાવાદ એક જ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવા ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્લેક્ષ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.