અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ખૂબજ ઓછા નોંધાઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તો ઘણા દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કોરોનાએ લગભગ વિદાય લઈ લીધા છે. પરંતુ કોરોનાનું પુનઃ આગમન ન થાય તે માટે વેક્સિનેશન જરૂરી છે. તંત્રના લાખ પ્રયાસો છતાં ઘણાબધા લોકો વેક્સિન લેવામાં હજુ પણ ઉદાસિન જોવા મળી રહ્યા છે. વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 84 દિવસનું અંતર રાખવાનો નિયમ છે ત્યારે અમદાવાદ શહેરમાં 1.46 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 114 દિવસ, જ્યારે 94 હજાર લોકોએ 144 દિવસ વિતવા છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. મ્યુનિ. આરોગ્ય વિભાગે બીજા ડોઝ માટે ડ્યુ હોય એવા તમામ લોકોને ફોન અને એસએમએસથી સંપર્ક કરવા સાથે ઝોનમાં કોલ સેન્ટર ઊભા કર્યા છે. કોલ સેન્ટરમાંથી દરરોજ 40 હજારથી વધુ લોકોને ફોન કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હદ વિસ્તારમાં અત્યાર સુધી 45 લાખથી વધુ લોકોને પ્રથમ જ્યારે 22 લાખથી વધુ લોકોને વેક્સિનના બંને ડોઝ મળી ચૂક્યા છે. કોવિન પોર્ટલ ઉપર વેક્સિન લીધી હોય એવા લોકોનો ડેટા મિસમેચ થઈ રહ્યો છે. આ કારણે ઘણા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો હોવા છતાં તેમને મ્યુનિ. તરફથી કોલ આવી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં મ્યુનિ. તમામને ઘરે જઈ વેક્સિન આપવા વિચારી રહી છે. 7મી ઓક્ટોબરે મ્યુનિ. એ જાહેર કરેલા હેલ્પ લાઈન નંબર 63570-94244 અને 63570-94227 તેમજ ahmedabad.gov.in વેબસાઈટ ઉપર લોકો રસી લેવા રજિસ્ટ્રેશન કરાવે છે. શુક્રવારે 757 લોકોએ હેલ્પલાઈન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વડાપ્રધાન મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી દરરોજ એક લાખથી વધુ લોકોને રસી મૂકવામાં આવી રહી હતી. આ સિલસિલો લગભગ 15 દિવસ સુધી સતત ચાલ્યો હતો. જોકે ચાલુ અઠવાડિયાથી વેક્સિનનું પ્રમાણ ઘટી ગયું છે. સૂત્રો કહે છે કે, રાજ્ય તરફથી જ રસીનો ડોઝ ઓછો આવી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા હતા જ્યારે 3 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે વધુ 27,042 લોકોએ રસી મુકાવી હતી જેમાં 12,274 લોકોએ પ્રથમ જ્યારે 14,768 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. શુક્રવારે બીઆરટીએસ અને એએમટીએસ બસ સ્ટેશન પરના વેક્સિનેશન સેન્ટર ઉપર 1008 લોકોને રસી આપવામાં આવી હતી.