Site icon Revoi.in

AMCને દિવાળી ફળી, કાંકરિયા લેક ફ્રન્ટ, અને ઝૂની બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

Social Share

અમદાવાદઃ  શહેરમાં દિવાળીનું મીની વેકેશન મ્યુનિ,કોર્પોરેશનને ફળ્યુ છે. દિવાળીની રજાઓમાં સરકારી કચેરીઓ, ખાનગી એકમો, અને રોજગાર-ધંધાઓ બંધ રહ્યા હતા. અને લોકો પોતાના પરિવાર સાથે શહેરના વિવિધ ફરવા લાયક સ્થળોની મુલાકાતે ગયા હતા. જેમાં શહેરના કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની ત્રણ દિવસમાં 2.50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 43 લાખની આવક થઈ હતી. નોકટર્નલ ઝૂ અને પ્રાણીસંગ્રહાલય જોવા માટે 54,000થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. લોકોએ પ્રાણીસંગ્રહાલય, નોકટોરનલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, કિડ્સ સિટી અને અટલ એક્સપ્રેસ ટ્રેનની મજા માણી હતી.

અમદાવાદ શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે પડતર દિવસ, બેસતા વર્ષ અને ભાઈબીજની રજામાં લોકો પરિવાર સાથે ફરવા આવ્યા હતા. જેમાં સૌથી વધુ નવા વર્ષ અને ભાઈબીજના દિવસે લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. કાંકરિયા લેકફ્રન્ટ જોવા માટે ત્રણેય દિવસ મુલાકાતીઓથી ઉભરાયેલું રહ્યું હતું. સૌથી વધુ લોકો પ્રાણીસંગ્રહાલય જોવા માટે આવ્યા હતા, જેનાથી રૂ. 24 લાખની આવક થઈ હતી. અટલ એક્સપ્રેસ ટ્રેન, બટરફ્લાય પાર્ક અને કિડ્સ સિટીની પણ મુલાકાત લીધી હતી. ત્રણ દિવસમાં નગીનાવાડીની પણ 12000થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસો દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ સોમવારે બંધ હોય છે, પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન વેકેશન હોવાથી સોમવારે પણ કાંકરિયા લેકફ્રન્ટ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કાંકરિયા લેક ફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલય જોવા માટે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. બાલવાટિકાનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે, જેના કારણે લોકો બાલવાટિકામાં પ્રવેશ મેળવી શકતા નથી. છતાં પણ પ્રવાસીઓ કાંકરિયા લેકફ્રન્ટમાં અલગ-અલગ જગ્યા પર મુલાકાત લીધી હતી. એક અઠવાડિયા પહેલા જ પ્રાણીસંગ્રહાલયમાં દીપડા અને વાઘણ લાવવામાં આવી છે, જેને જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.