ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તે લોકો ચેતી જજો, કાન પર આ રીતે કરે છે અસર
- ઈયરફોનની કાન પર અસર
- વાંચીને તમે પણ ચોંકી જશો
- વધારે પડતો ન કરો ઈયરફોનનો ઉપયોગ
આજકાલ લોકો ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયા છે. ક્યારેક લોકો ફેશન માટે કરતા હોય છે તો ક્યારેક લોકો કોઈક કામથી,પણ લાંબો સમય ઈયરફોનનો ઉપયોગ કરવો તે કાન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇયરફોનને કારણે કાનને નુકસાન થવાના કેસોમા અને માર્ગ અકસ્માતોમા ઘણો વધારો જોવા મળ્યો છે. તાજેતરના વર્ષોમાં આ એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે.
જાણકારી અનુસાર 50 ટકા યુવાનોમાં કાનની સમસ્યાનું કારણ ઇયરફોનનો સતત ઉપયોગ છે. ઇયરફોનના સતત ઉપયોગને કારણે કાનમાં દુખાવો, માથાનો દુખાવો, ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ થવી એ સામાન્ય છે.
જાણકારો આ બાબતે કહે છે કે ઇયરફોનના સતત ઉપયોગથી આપણી સાંભળવાની શક્તિ 40 ડેસિબલ સુધી ઘટે છે. ઇયરફોનના સતત ઉપયોગથી કાનનો પડદો વાઇબ્રેટ થાય છે અને જેના કારણે તે ખરાબ થવાની અથવા તેમા નુકસાન થવાની સંભાવના વધી જાય છે. આના કારણે કાનમાં છન -છન જેવો અવાજ સંભળાવવો, ચક્કર આવવા, કળતર વગેરે સમસ્યાઓ થાય છે. ખાસ કરીને લોકોને દૂરના અવાજો સાંભળવામાં તકલીફ પડવા લાગે છે અને તેનાથી બહેરાશ પણ આવી શકે છે.
ઇયરફોન દ્વારા ગીતો સાંભળતા સમયે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. ઇયરફોન નાના હોય છે અને તમારા કાનમાં સરળતાથી ફિટ થઈ જતા હોય છે, પરંતુ તેમ છતાં તેઓ બહારના અવાજને રોકી શક્તા નથી. આવી સ્થિતિમાં, વ્યક્તિ જ્યારે બહારનો અવાજ સાંભળવા માંગતા ન હોય ત્યારે ઇયરફોનનું વોલ્યુમ વધારી દેતા હોય છે. આ તમારા માટે ખૂબ જ ખતરનાક છે.
એક સંશોધનમાં સામે આવ્યું છે, કે મોટેથી સંગીત સાંભળવાથી માનસિક સમસ્યાઓ થઈ શકે છે, તેમજ હૃદયરોગ અને કેન્સરની શક્યતા પણ વધી જાય છે. ઇયરફોનમાં 100 ડીબી સુધીનો અવાજ આવી શકે છે, જે તમારા કાનને નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે. સામાન્ય રીતે કાન 65 ડેસિબલ અવાજને સહન કરી શકે છે, જ્યારે 85 ડેસિબલથી વધુ અવાજ કાન માટે જોખમી છે. જો ઇયરફોન પર 40 કલાકથી વધુ સમય સુધી 90 ડેસિબલનો અવાજ સંભળાય તો કાનની નસો સંપૂર્ણપણે ડેડ થઈ જાય છે.