રાજકોટ: રાજકોટ શહેરમાં રોગચાળો હાલ વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુ મેલેરીયા – ચીકનગુનિયાના 21 દર્દી મનપાના ચોપડે નોંધાયા છે. જ્યારે અન્ય રોગની વાત કરવામાં આવે તો શરદી – ઉધરસના 253, ઝાડા ઉલ્ટીના 87 કેસ નોંધાયા છે.
મહત્વનું છે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે જઇને પાણીના પાત્ર ખાલી કરાવવા, ફોગીંગ દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ,તો શહેરમાં સતત વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ છે. જેમાં ભય મુજબ મચ્છરનો ઉપદ્રવ વધવા લાગ્યો છે.
ખતરનાક ડેંગ્યુ તાવ ફેલાવતા એડીસ મચ્છરોએ જાણે દરેક વિસ્તારમાં બ્રિડીંગ કર્યા હોય તેમ લાગી રહ્યું છે અને છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુ ચાલુ વર્ષના સૌથી વધુ સાપ્તાહિક 21 કેસ નોંધાતા ચિંતા વધી ગઇ છે. હવે ઉંધાડ નીકળતા આ મચ્છરો વધુ આતંક ફેલાવે અને ડેંગ્યુના કેસમાં મોટો ઉછાળો આવે તેવી પણ આરોગ્ય વિભાગને ભીતિ છે.
વરસાદના વિરામ બાદ મિશ્ર ઋતુ અને અનુકુળ વાતાવરણને કારણે ડેંગ્યુ મેલેરીયાના કેસ આવશે તેમ આરોગ્ય વિભાગે અગાઉ પણ કહ્યું હતું. ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છર દિવસે કરડે છે, અને જ્યાં ભીડ હોય ત્યાં વધુ ડંખ મારે છે. તંત્ર દ્વારા તમામ 18 વોર્ડમાં મચ્છરજન્ય રોગચાળાની ભીતિવાળા વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ મચ્છરોએ તેમનું કામ જાણે ગતિમાં મુક્યું હોય તેમ લાગે છે.