અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાનો આરંભ થયો છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને રોગચાળાને વધુ વકરતો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે. શહેરમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 180, સાદા મેલેરિયાના 28, ઝેરી મેલેરિયાના 10 અને ચિકનગુનિયાના 14 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત જીવલેણ મનતા સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. સ્વાઈન ફ્લૂના પણ 7 કેસ નોંધાયા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે તંત્ર દ્વારા 29,192 લોહીના નમૂના લીધા હતા. ડેન્ગ્યુને નાથવા માટે 1349 સીરમ સેમ્પલ લેવાયા છે. ગત નવેમ્બર મહિનામાં ઝાડા-ઊલટીના 218 કેસ નોંધાયા હતા. જેની સામે 12 દિવસમાં જ 285, કમળાના 133 કેસ સામે 163, ટાઈફોઈડના 195 સામે 216 કેસ નોંધાયા છે. ગત નવેમ્બરમાં ડેન્ગ્યુના 419 કેસ નોંધાયા હતા. મ્યુનિ. હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ શરદી, ખાંસી અને વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત કોરોનાએ પણ હજુ વિદાય લીધી નથી. 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા.