અમદાવાદઃ શહેરમાં વરસાદે વિરામ લીધો છે જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. દરમિયાન 20 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 17 દર્દીના મોત થયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સફાળા જાહેલા કોર્પોરેશન દ્વારા ફોકીંગ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીના જણાવ્યા અનુસાર ગત ઓગષ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 132 દર્દીઓ નોંધાયા હતા અને ચિકનગુનિયાના 37 દર્દીઓ સામે આવ્યાં હતા. આ ચાલું સપ્ટેબર મહિનાના 6 દિવસમાં 52 દર્દીઓ ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના 17 દર્દીઓએ OPD માં સારવાર લીધી છે. ગયા ઓગષ્ટ મહિનાના કુલ કેસો કરતા ચાલું સપ્ટેમ્બર મહિનાના માત્ર 6 દિવસમાં જ 40 ટકા કેસો નોંધાઈ ચુક્યા છે. એટલે કે દિવસેને દિવસે રોગચાળો વધી રહ્યો છે.જો કે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ કહ્યું કે આ પ્રિવેન્ટીવ રોગ છે, જો આપણે બધા કાળજી રાખીશું તો આ રોગથી બચી શકાશે.
શહેરમાં રોગચાળો વકરતા સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ છે. દરરોજ ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા આવે છે. કોરોના મહામારીની વચ્ચે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.