ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ ડેન્ગ્યુ અને મેલેરિયાના 342 કેસ નોંધાયાં
- 22 સાઈટ ઉપર મળ્યાં મચ્છરોના બ્રિડીંગ
- મનપાએ 22 સાઈટને પાઠવી નોટિસ
- વિવિધ ટીમોએ શરૂ કરી સર્વેની કામગીરી
- દવાનો છંટકાવ શરૂ કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. દરમિયાન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગાંધીનગરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના 342 જેટલા કેસ સામે આવ્યાં છે. જેથી તરફ રોગચાળાને ડામવા માટે મનપાએ તપાસ શરૂ કરીને 22 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ આપવામાં આવી છે. રોગચાળો ફેલાતા મનપા તંત્ર સફાળુ જાગ્યું છે અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય તેમ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના 216 અને મેલેરિયાના 126 કેસ નોંધાયાં છે. જેથી સફાળા જાગેલા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના બ્રિડીંગ અંગે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. મનપાએ કન્સ્ટ્રક્શન સાઈટ, ડોર ટુ ડોર તેમજ જાહેર સ્થળોએ તપાસ કરી હતી. આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ તપાસ કરતા 22 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યું હતું. જેથી કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે. તેમજ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અગાઉ પણ 179 બિલ્ડીંગોમાં મચ્છરોના બ્રિડીંગ મળી આવતા નોટિસ પવામાં આવી હતી. બીજી તરફ મચ્છજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. એટલું જ નહીં ખાનગી દવાખાનાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉમટી રહ્યાં છે. આમ ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે.