અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તમજ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થતા હોસ્પિટલો સારવાર માટે દર્દીઓની લાંબી લાઈનો લાગે છે. શહેરમાં 14 દિવસના સમયગાળામાં પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના 191, કમળાના 86 અને ટાઈફોઈડના 152 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયા 60 કેસો, ઝેરી મેલેરિયાના 03, ડેન્ગ્યુના 64 અને ચિકનગુનિયાના 47 કેસો નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં મચ્થરજન્યુ રોગચાળો વકરતા કોર્પોરેશન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન શહેરના ગોતા, ચાંદલોડિયા, સરખેજ, થલતેજ, દરિયાપુર, રબારીકોલોની, નરોડા, રાણીપ, નવરંગપુરા વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છરો હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 313 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી 51 સાઈટને નોટિસ આપી હતી તેમજ રૂ. 56000નો દંડ વસુલ કર્યો હતો. 176 એજ્યુકેશનલ એકમો ચેક કર્યા હતા. જ્યારે 314 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ એકમોને ચેક કરી 68ને નોટિસ આપી હતી.
મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.
શહેરમાં 14 દિવસ દરમિયાન ઝાડા-ઉલ્ટીના 191, કમળાના 86 અને ટાઈફોઈડના 152 જેટલા કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં રોગચાળાને વકરતો અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.