અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં તંત્ર બન્યુ એલર્ટ
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ઘરે ઘરે તાવ અને ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં રોગચાળો વગેરે નહીં અને યોગ્ય રીતે દવાનો છંટકાવ તેમજ ફોગીંગ કરવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતમાં મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં યોગ્ય રીતે ફોગીંગ અને દવાનો છંટકાવ થતો નથી તેમ જ જ્યાં વધારે ગંદકી હોય ત્યાં દવાના છંટકાવવાની જરૂર છે ત્યાં કરવામાં આવતી નથી જેના પગલે મેલેરિયા વિભાગમાં જે પણ કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ રાખવામાં આવ્યા છે તેઓની પાસે યોગ્ય રીતે કામ લઈ અને શહેરમાં દવાનો છંટકાવ કરાવવામાં આવે તેમ સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બિમારી જોવા મળી રહી છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના નાશ માટે દવા છંટકાવની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ઘરના છત પર કે કૂંડામાં ભરાયેલા પાણી હોય તો તેનો નિકાલ કરવાની પણ લોકોને અપિલ કરવામાં આવી છે,
એએમસીની ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ મિલકતો આવેલી છે તે અંગે ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત કેટલી મિલકતો આવેલી છે, તેની યાદી ભાજપના સત્તાધીશો દ્વારા અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી અધિકારીઓએ આ તમામ મિલકતોની યાદી તૈયાર કરી અને ટૂંક સમયમાં આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જ્યાં પણ જાહેર રોડ ઉપર સુકાઈ ગયેલા વૃક્ષો હોય તેને ત્યાંથી દૂર કરવા માટે તેમજ જૂના થયેલા અને નડતા વૃક્ષોને રિપ્લેન્ટ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરીના થાઈલેન્ડ ખાતે બેન્કોકમાં યોજનારી WHOની રીજનલ મિટિંગમાં ભાગ લેવા જવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ બેંગલોર ખાતે ટ્રીટેડ વોટર વેસ્ટને ઉપયોગમાં લેવા માટેની એક 11 દિવસ ટ્રેનિંગનું આયોજન જેરૂસલેમની એક એજન્સી અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ઝાલા, અમિત પટેલ અને ચિરાગ બ્રહ્મભટ્ટને 11 દિવસ માટે મોકલવા માટેની પણ મંજૂરી આપવામાં આવી હતી.