પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણા શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે રોડ-રસ્તાઓ પર ગંદકી અને કાદવ-કીચડના થર જામ્યા છે. તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે નગરપાલિકાના સત્તાધિશો સક્રિય બનીને ગંદકી અને કાદવ-કીચડ દુર કરે તેવી માગ ઊઠી છે.
ચોમાસાના પ્રારંભે જ પાલિતાણા શહેરમાં ચોતરફ ગંદકીના ગંજ જામ્યા છે. અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયુ છે. તેના લીધે મચ્છર સહિત જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. સઘન સફાઈ કામગીરી હાથ ન ધરાતા રોગચાળાની ભીતિ છે. ચોમાસુ ચાલુ હોવા છતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પૂરતી સફાઈ થતી નથી તેના કારણે સમગ્ર શહેરમાં ગંદકી કચરાના ઢગલા અને પાણીના ખાબોચિયા ભરેલા નજરે પડે છે તેની સામે નગરપાલિકા તંત્ર કુંભકર્ણોની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ચૂંટાયેલા નગરસેવકો પણ ડોકાતા નથી લોકોમાં તેની ભારે ટીકા થઈ રહી છે.
પાલિતાણા શહેરમાં સામાન્ય વરસાદમાં પાણીના ખાબોચિયા ભરાય ગયા છે. રોડ-રસ્તાઓ પર સમયસર સફાઈ ન થવાથી કાદવ કીચડના થર જામ્યા છે. બિસ્માર રસ્તાના ખાડામાં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે એટલું જ નહીં જન આરોગ્ય જાળવતા દવાખાના અને સ્કૂલો પાસે જ ગંદકીના થર જમ્યા છે. ગંદકી તેમજ ડહોળા પાણીના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જોવા મળે છે. નગરપાલિકાઓના પ્રાદેશિક નિયામક ડી.એમ સોલંકી પાલિતાણા આવતા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા કિરીટભાઇ સાગઠીયા, કોંગ્રેસના આગેવાન ઓમદેવસિંહ સરવૈયાએ નિયામક સમક્ષ ગેરરીતિ, દબાણ, ગેરકાયદેસર બાંધકામો, ગંદકી, દુષિત પાણી સહિતા અનેક પ્રશ્નોની રજુઆત કરી હતી.