- શહેરમાં મ્યુનિ.નું ચેકિંગ, 206 સ્થળોએ મચ્છરોના બ્રિડિંગ મળ્યાં,
- નોડલ ઓફિસર અને કોન્ટ્રાકટરોને 2.85 લાખનો દંડ ફટકાર્યો,
- બિલ્ડરોની 13 સાઈટ સીલ કરાઈ
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે મ્યુનિ.એ કન્સ્ટ્રક્શન સાઈટો તેમજ ખાનગી એકમોમાં તપાસ શરૂ કરી છે. જો કે મ્યુનિ. અને સરકાર હસ્તકની જગ્યાઓ પર તપાસ કરવામાં આવતા 260 સ્થળે મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. જેથી નોડલ ઓફિસર અને કોન્ટ્રાક્ટરને આરોગ્ય વિભાગે 2.85 લાખનો ફટકાર્યો હતો.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે કન્ટ્રક્શન સાઈટ અને ખાનગી એકમોમાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ગત તા. 10 જૂનથી 24 ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. અને સરકાર હસ્તકની 4245 જગ્યાઓ પર મચ્છરોના બ્રીડિંગ માટે તપાસ કરાઈ હતી. જેમાંથી 260 જગ્યાએ બ્રીડિંગ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં 1816 ખાનગી બિલ્ડિંગમાં તપાસ કરતાં 372માંથી મચ્છરોના પોરા મળ્યા હતા. જેમની પાસેથી રૂ. 21.90 લાખનો દંડ વસૂલ કરાયો હતો. તેમજ 13 સાઈટ સીલ કરાઈ હતી.
એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ મચ્છરોના ઝૂંડ અને પોરા મળી આવ્યા હોય એવા સ્થળોમાં એનએચએલ ટ્રેનિંગ સેન્ટર, સાબરમતી, ઘોડાસર તળાવ, દેડકી ગાર્ડન, મણિનગર, જમાલપુર પમ્પિંગ સ્ટેશન, બોડકદેવ પમ્પિંગ સ્ટેશન, ગુજરાતી શાળા નં. 2, દક્ષિણ ઝોન, સબ ઝોનલ ઓફિસ, પૂર્વ ઝોન, સ્પોર્ટ્સ સંકુલ, દક્ષિણ ઝોન, બલૂનસફારી કાંકરિયા, દૂધેશ્વર અર્બન હેલ્થ સેન્ટર, સ્વિમિંગ પૂલ, સારંગપુર, સેન્ટ્રલ સ્ટોર, દક્ષિણ ઝોન, મેઘાણીનગર વોર્ડ ઓફિસ, કોતરપુર એસટીપી ઓફિસ, આંબાવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, પ્રહલાદનગર વોર્ડ ઓફિસ, લાલાકાકા હોલ, શાહપુરનો સમાવેશ થાય છે. તમામ સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.