ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા પખવાડિયાથી પ્રતિકૂળ વાતાવરણને લીધે વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ ગરમી અને ઠંડી એમ બેઋતુને લીધે તેમજ ભેજવાળા હવામાનને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી દવાઓ તથા પાવડર છંટકાવની માંગણી ઉઠી છે.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે, શહેરના સેક્ટરો તથા ગામોમાં કમોસમી વરસાદને કારણે તથા શહેરમાં નિયમિત સાફસફાઈને અભાવે જીવજંતુઓ તથા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને લીધે હાલ શહેરમાં બીમારીઓ વધી છે. વધેલી બિમારીને પગલે મચ્છરોના ઉપદ્રવ ડામવાની જરૂરિયાત છે. એટલું જ નહીં શહેરમાં દરેક જગ્યાએ યોગ્ય સફાઈ કરીને જીવજંતુઓના નાશ માટે દવાઓ તથા પાવડર છંટકાવ કરવો જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનન દ્વારા છેલ્લા અઠવાડિયામાં એક લાખથી વધુ ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી હતી. જેમાં 1400 ઘરો અને 3700 પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. મલેરિયાની ટીમ દ્વારા સ્થળ પર જ પોરાનાશકની કામગીરી કરવામાં આવી હતી. પાટનગરમાં ડેન્ગ્યૂના સાત અને મેલેરિયાના ત્રણ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત તાવના દર્દીઓ પણ વધ્યા છે, જેને પગલે શહેરમાં દવાઓનો છંટકાવ જરૂરી બની ગયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં ડબલ ઋતુને પગલે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યું સહિતના રોગચાળાએ માથું ઉચક્યું છે. બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અન્ય રોગચાળાએ પણ માથું ઉંચકતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરના દરેક વિસ્તારમાં તંત્ર દ્વારા દવા છંટકાવ સહિત ફોગિંગની કામગીરી કરવામાં આવે તેવી માગણી નાગરિકો કરી રહ્યા છે.