તેલ અવીવ : ગાઝા પટ્ટી પર હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અન્ય દેશો સુધી ફેલાય રહ્યું છે. ઈઝરાયલે આ સપ્તાહે લેબનાનની અંદર ઘૂસીને એક ડ્રોન એટેકમાં હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર કર્યો હતો. બુધવારે ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પર બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 103 લોકોના મોત નીપજ્યા અને લગભગ 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માનવામાં આવે છે કે આમા પણ ઈઝરાયલની ભૂમિકા હતી. ત્યારે ઈઝરાયલના ઈન્ટેલિજન્સ ચીફનું કહેવું છે કે અમે જ્યાં પણ મોકો મળશે, ત્યાં બદલો લઈશું અને લઈ પણ રહ્યા છીએ.
અત્યાર સુધી ઈઝરાયલે આ હુમલાઓને લઈને કઈ કહ્યું નથી અને ન તો કોઈ જવાબદારી લીધી છે. પરંતુ મોસાદ ચીફ ડેવિડ બર્નિયાનું નિવેદન તો આના જ સંકેત આપે છે. ડેવિડ બર્નિયાએ કહ્યુ છે કે મોસાદ એજન્સી એ હત્યારાઓને નિપટાવવા માટે તત્પર છે, જેમણે 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ છે કે આ હુમલાનો બદલો લેવામાં અમને સમય લાગશે, જેવું મ્યુનિક હત્યાકાંડ બાદ થયું હતું. પરંતુ આ લોકો પર અમે હાથ જરૂર નાખીશું, ભલે તે કોઈપણ ઠેકાણે રહે. અમે અમારો બદલો લેતા રહીશું.
બર્નિયાએ બુધવારે મોસાદના ભૂતપૂર્વ ચીફ જવિ જામિરના અંતિમ સંસ્કાર દરમિયાન આ વાત કહી હતી. જવિ જામિરના નેતૃત્વમાં જ ઈઝરાયલે 1972માં પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સમૂહો પર હુમલા કર્યા હતા. તેમનું આ નિવેદન અરુરીની હત્યાના બરાબર એક દિવસ બાદ આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે અરુરીની હત્યા પર લેબનાનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ વિફર્યું છે. તેણે ઈઝરાયલને આનો બદલો લેવાની ધમકી આપી છે. હિઝબુલ્લાહે કહ્યું છે કે ઈજરાયલનો આ હુમલો લેબનાનની સાર્વભૌમતા પર પણ હુમલો છે. હિઝબુલ્લાહની આ ધમકી બાદ ઈઝરાયલમાં હાઈએલર્ટ છે.
ઈઝરાયલે નિવેદન જાહેર કરીને એમ પણ કહ્યુ કે અમારો હુમલો લેબનાન પર ન હતો. પરંતુ અમારા લોકોની હત્યા કરનારાઓ પર હતો. આ હુમલામાં અરુરી સિવાય હમાસના અન્ય 6 આતંકીઓ માર્યા ગયા હતા. બર્નિયાએ કહ્યુ છે કે દરેક આરબ એ સમજી લે કે જો તેમના સંતાને 7 ઓક્ટોબરના હુમલામાં ભૂમિકા અદા કરી હતી, તો તેમણે તેનું માથું ખોળામાં રાખીને રડવું પડશે. મહત્વપૂર્ણ છે કે ત્રણ માસથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયલના હુમલામાં લગભગ 20 હજાર લોકો માર્યા ગયા છે. તેના સિવાય ગાઝાના મહત્વના પ્રતિષ્ઠાનો પણ જમીનદોસ્ત થઈ ચુક્યા છે.