Site icon Revoi.in

વાવાઝોડાને કારણે દહેગામના 86 ગામોના કૃષિપાકને સૌથી વધુ નુકશાનઃ સર્વેમાં બહાર આવેલી હકિક્ત

Social Share

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી દહેગામ તાલુકાના 86 ગામડાઓમાં પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં સર્વેમાં ગાંધીનગર જિલ્લામાં 33 ટકા નુકસાની થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

તાઉ-તે વાવાઝોડાના કારણે ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે તાલુકાના ગામડાઓમાં ખેતીના પાકને નુકશાન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં બાજરી, મગફળી, ડાંગર સહિતના પાકનું મુખ્યત્વે વાવેતર થાય છે. જેમાં બાજરીના પાકને 33 ટકા નુકશાન થયું હોવાનો અંદાજ જિલ્લા ખેતી વાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યો છે. જે મુજબ ખેડૂતોને SDRFનાં ધારા ધોરણ મુજબ પાકને થયેલા નુકસાનનું વળતર પણ ચૂકવવામાં આવશે.

આ અંગે ખેતી વાડી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ પાકોનું કુલ વાવેતર 22 હજાર 671 હેક્ટર થયું હતું. જેમાં બાજરીનું પાંચ હજાર 300 હેક્ટરનું વાવેતર થયું હતું. ડાંગર અને મગફળીમાં સામાન્ય નુક્સાન થયું છે. જ્યારે સૌથી વધુ નુક્સાનનો અંદાજ બાજરીમાં થયો છે. સર્વે અને ખાતાની વિગતો પણ આગામી સમયમાં નિર્ણય પહેલા તપાસવામાં આવશે. જોકે, બાજરીના કાપણી થયેલ અને ઉગી નીકળી હોય તેને પણ આ નુકસાનગ્રસ્તમાં લેવામાં આવેલ છે. જેથી SDRFના ધોરણ મુજબ પિયત પાકો માટે 13 હજાર 500 હેકટર પ્રમાણે ચૂકવવા પાત્ર થાય છે. બિન પિયતમાં છ હજાર 800 મુજબ સહાય કરાશે. જોકે, તેના નુક્સાન પર કેટલી ભરપાઇ કરવી તેને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે, પરંતુ SDRFના નિયમો મુજબ આ ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી શકે છે.

ગાંધીનગરના તાલુકા પ્રમાણે જે ગામોમાં નુક્સાન છે, તે પૈકી દહેગામ તાલુકાના 86 ગામોમાં સૌથી વધુ નુક્સાન થયું છે. જ્યારે માણસા તાલુકામાં સાત ગામોમાં, કલોલ તાલુકામાં પાંચ અને ગાંધીનગરના 10 ગામોમાં નુક્સાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાની ગ્રામ સેવકોની 62 ટીમો દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ડાંગર અને મગફળીમાં સામાન્ય નુક્સાન થયું હોવાનું સર્વે આધારે ખેતી વાડી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.