અમદાવાદઃ સરકારના કર્મચારીઓ પોતાના હકની રજાનો વર્ષના અંતિમ મહિનામાં ઉપયોગ કરી લેતા હોય છે. નવા વર્ષે રજાઓ લેપ્સ ન થઈ જાય તેની કર્મચારીઓ તકેદારી રાખતા હોય છે. રાજ્યના સરકારી એન્જિનિયરિંગ કોલેજોના અધ્યાપકો, પ્રોફેસરો પોતાના વર્ષ દરમિયાન મળતી હક રજા પર એક સાથે ઉતરી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. મોટભાગની કોલેજોમાં 60થી 70 ટકા પ્રોફેસર હક રજા પર ઉતરી ગયા હતા. અગાઉ ચૂંટણીના કારણે પણ કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવતો નહતો જેથી તે સમયે પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી કોલેજના પ્રોફેસરોને દર વર્ષે ફિક્સ હક રજા મળે છે જે દર વર્ષે 31 ડિસેમ્બરે સુધીમાં પુરી થઈ જાય છે. શરૂઆતથી રજા બચાવીને રાખી હોય તેવા મોટા ભાગના પ્રોફેસરો અત્યારે એક સાથે રજા પર ઉતરી ગયા છે. પોતાની હક રજા વાપરવા માટે પ્રોફેસરો અત્યારે કોલેજમાંથી રજા લઈને ગયા છે. છેલ્લા 10 દિવસથી એલ.ડી એન્જિંનિયરિંગ કોલેજ, તેમજ પોલીટેક્નિક સહિતની અલગ અલગ એન્જિનિયરિંગની સરકારી કોલેજોમાં પ્રોફેસરો રજા પર છે. હવે નવા વર્ષે સોમવારથી પ્રોફેસરો, અધ્યાપકો પોતાની ફરજ પર હાજર થશે. પ્રોફેસર રજા પર હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પર અસર થઈ હતી. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 20માંથી 5-7 ફેકલ્ટી હજાર હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુશ્કેલી અનુભવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ ચૂંટણીના કારણે સરકારી કોલેજના પ્રોફેસરોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે કોલેજમાં 5-7 લેક્ચરની જગ્યાએ રોજ 1-2 લેકચર જ લેવામાં આવતા હતા. ચૂંટણીના 10 દિવસ અગાઉથી વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્થિતિ હતી. ચૂંટણી પુરી થયા બાદ પરિણામ ના આવ્યું ત્યાં સુધી કેટલીક કોલેજમાં પ્રોફેસર ના હોવાના કારણર રજા જાહેર કરી દેવામાં આવી હતી તેના કારણે પણ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી. ત્યારબાદ ડિસેમ્બરમાં અધ્યાપકો, પ્રોફેસરો હકની રજી પર ઉતરી ગયા હતા. હવે આ મહિનાથી સેમેસ્ટર-5,3 અને 1ની પરીક્ષા તબક્કાવાર શરૂ થવાની છે.
સરકારી કોલેજના વિદ્યાર્થીઓના કહેવા મુજબ , અમારે લેક્ચર હોય તો તમામ ફેકલ્ટી આવતા નથી જે ફેકલ્ટી ના આવે તેની જગ્યાએ બીજા ફેકલ્ટી તેમનો લેક્ચર રાખી દે છે. છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની સ્થિતિ છે. આ પ્રકારે જ અભ્યાસ કરાવવામાં આવે તો અમે કેમના ભણી શકીશુ. ચૂંટણી સમયે પણ આવી જ સ્થિતિ હતી.