અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં રોડ બિસ્માર બની ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી જવાથી વાહનચાલકો ભારે પરેશાન બની રહ્યા છે. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર-કચ્છ રાજ્યમાં એકપણ વિસ્તાર એવો નથી જ્યાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ ને કારણે જનતા ત્રસ્ત ન હોય. એકપણ નગર કે ગામ એવુ નથી જેના રસ્તા સમથળ હોય, જ્યાં રસ્તા પર ખાડા ન હોય. રાજ્યના દરેક શહેરના રસ્તાઓની હાલત એટલી હદે દયનીય બની છે કે તેના પરથી વાહન લઈને પસાર થવુ કોઈ સાહસ ખેડવાથી ઓછુ નથી. ઉબડખાબડ રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો રોજ તંત્ર સામે રોષ ઠાલવી રજૂઆત કરે છે, પરંતુ તંત્ર રસ્તાઓના સમારકામના નામે માત્ર વાયદાઓ કર્યા કરે છે કામગીરી કરતુ નથી.જેથી લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા બાયપાસ પાલનપુરનો રોડ પણ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા વાહનચાલકોને પારાવારા હાલાકી પડી રહી છે. કમરના દુ:ખાવા અને મણકા ખસી જવા સહિતની સમસ્યાનો વાહનચાલકો ભોગ બની રહ્યા છે. છતા RNB વિભાગ રસ્તાના સમારકામની કોઈ કામગીરી કરતુ નથી. રસ્તા પરના ખાડાથી ત્રાહિમામ પોકારેલા સ્થાનિકોએ જાતે રોડ પર માટી પુરવાની કામગીરી કરવી પડી હતી. સ્થાનિકોનો આરોપ છે કે જે રિંગરોડ બનાવ્યો તે છેલ્લા 12 મહિનાથી બિસ્માર બન્યો છે, પરંતુ રોડ પર કોઈ પેચવર્કની કામગીરી કરાઈ નથી.
આ ઉપરાંત પંચમહાલમાં જ આ જ સ્થિતિ છે. જિલ્લામાં આવેલ ગોધરા ખાડા નગર બન્યુ છે. રસ્તા પર મસમોટા ખાડાં પડ્યા છે. શહેરનો રેલવે સ્ટેશન રોડ હોય કે બસ સ્ટેશન રોડ, શહેરા ભાગોળ, પાવરહાઉસ, ભુરાવાવ, સિગ્નલ ફળિયા સહિતના તમામ રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. ટ્રાફિથી ધમધમતા નગરના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ ખાડાગ્રસ્ત બનેલા રોડની મરમ્મત કરે તેવી ચોમેરથી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે રોડ તૂટી જવાના વધુ બનાવો બન્યા છે. જૂનાગઢની જો વાત કરીએ તો ત્યાં પણ સ્થિતિ બહુ સારી નથી, રસ્તા પર ખાડારાજ જોવા મળે છે. વંથલી સોમનાથ ફોરટ્રેક ખાડાગ્રસ્ત બન્યો છે. ફક્ત બે વર્ષ પહેલા બનેલો ફોરવે બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના બદલે જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનોએ ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના માર્ગો અને રાજમાર્ગો પર પડેલા ખાડાઓથી જનતા ત્રસ્ત છે, અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે ત્યારે તંત્રની આંખ ક્યારે ખૂલે છે તે જોવુ રહેશે.