અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો નાગરિકોના ટેક્સના નાણાનો ક્યારેક વગર વિચાર્યે વેડફાટ કરતા હોય છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે 20 જેટલી ટેનિસકોર્ટ્સ બનાવી હતી. ટેનિસના રમતવીરોએ ઉપયોગી બની રહે એવો ઉદેશ્ય હતો. દરમિયાન 20 ટેનિસકોર્ટ્સ પીપીપી ધોરણે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ 20 ટેનિસ કોર્ટ પીપીપી ધોરણે ભાડે આપવામાં તકલીફ પડી છે. તેનું મુખ્ય કારણ છે કે, ટેનિસ રમવા બહુ જ ઓછા લોકો આવતા હોવાથી કોર્ટ ચાલતા નથી. જેથી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ ન ચાલતા ટેનિસ કોર્ટની જગ્યાએ બોક્સ ક્રિકેટ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચન કર્યું છે. મેમનગરના ટેનિસ કોર્ટ જગ્યાના વિવાદમાં મ્યુનિ. કાયદાકીય લડત જીતી જતાં હવે તે જગ્યાનો કબજો લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં યુવાનોમાં ક્રિકેટમાં જેટલો રસ છે, એટલો રસ ટેનીસમાં નથી. એટલે મ્યુનિ.ના ટેનિસકોર્ટના સ્થળે બોક્સ ક્રિકેટને મંજુરી આપવામાં આવે તે તેને સારોએવો પ્રતિસાદ મળી રહે તેમ છે. શહેરમાં અનેક જગ્યાએ ખાનગી પ્લોટમાં બોક્સ ક્રિકેટની સુવિધા આપવામાં આવી છે. જેમાં કલાક પ્રમાણે મોટી રકમ વસૂલવામાં આવે છે. આ સ્થિતિમાં શહેરમાં 20 ટેનિસ કોર્ટ પૈકી ઘણા બધા બંધ છે. તેના માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં પણ ખૂબ મામૂલી રકમ કોન્ટ્રાક્ટર ભરે છે. જેથી સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યએ સૂચન કર્યું છે કે, જે ટેનિસ કોર્ટ ન ચાલતાં હોય તો તેની જગ્યાએ બોક્સ ક્રિકેટની સુવિધા ઉભી કરવી જોઈએ. જેથી લોકોને સસ્તામાં સારી સુવિધા મળી શકે તેમ છે. અન્ય ખાનગી પ્લોટમાં લોકો મોટી રકમ આપીને બોક્સ ક્રિકેટની મજા માણે છે. ત્યારે જો મ્યુનિ.ના આ કોર્ટમાં તેમને ટેનિસની જગ્યાએ બોક્સ ક્રિકેટની સુવિધા આપવામાં આવે તો તે વધુ અસરકારક બની શકે તેમ છે. શહેરના મેમનગરની દિવ્યપથ સ્કૂલ પાસે આવેલા ટેનિસ કોર્ટની જગ્યાના વિવાદમાં મ્યુનિ.કાયદાકીય લડત જીતી જતા ટૂંક જ સમયમાં હવે તે જગ્યાનો કબજો લેશે.