પાલનપુરઃ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અવાર-નવાર અકસ્માતોને બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે બુધવારે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. પુત્રને સ્કૂલેથી લઈ માતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. હચમચાવી નાખતા અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગત મુજબ પાલનપુરના ગઠામણ પાટિયા પાસે જે અકસ્માતની ઘટના બની હતી તેમાં માતા-પુત્રના મોત નિપજ્યા હતા. પુત્રને સ્કૂલેથી તેડી માતા એક્ટિવા પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ગઠામણ પાટિયા પર પાછળથી આવેલા કાળમુખા ટેન્કરે ટક્કર મારતા માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માતને લીધે લોકો અકસ્માત સ્ળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલનપુરના ગઠામણ પાટિયા પાસે સર્જાયેલી અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક્ટિવા સવાર માતા-પુત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવી રહેલા ટેન્કર ચાલકે બેદરકારીભર્યું ડ્રાઈવીંગ કરી એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે માતા-પુત્ર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર દોડી આવેલા પરિવારજનો આક્રંદ કરતા જોવા મળ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાંથી પસાર થતાં હાઈવે પર પૂર ઝડપે વાહનો દોડી રહ્યા હોવાથી અકસ્માકો વધી રહ્યા છે.