Site icon Revoi.in

દહેગામ-રખિયાલ હાઈવે પર પૂર ઝડપે આવેલી ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ-રખિયાલ હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, ગાંધીનગરના ધોળાકૂવા ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ભૂપતસિંહ ઝાલા પોતાની નોકરી પૂર્ણ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે દહેગામ-રખિયાલ હાઈવે પર નાકોડા ઈન્ડસ્ટ્રીઝ નજીક  ભૂપતસિંહે અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો. રસ્તા પર લેફ્ટ સાઈડમાં જઈ રહેલા ભૂપતસિંહે અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતાં બાઈક રસ્તાની સાઈડમાં પડેલી કપચીના ઢગલા પર ચડી જતાં બેકાબૂ બની હતી. બેકાબૂ બનેલી બાઈક રસ્તાની વચ્ચે આવી જતાં પાછળથી આવી રહેલી ટ્રક માથે ફરી વળી હતી. અકસ્માતમાં ભૂપતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નરેંદ્રની ફરિયાદના આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજો હીટ એન્ડ રનનો બનાવ ચિલોડા હાઈવે પર સર્જાયો હતો. ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી અજાણ્યા રાહદારીને ટક્કર મારી હતી. બાદમાં અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. બીજી તરફ વાહનની ટક્કરથી ગંભીર ઈજાગ્રસ્ત અજાણ્યા રાહદારીનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.