રાજકોટઃ ગુજરાતમાં નેશનલ હાઈવે પર સરકાર દ્વારા ટોલ ઉઘરાવવામાં આવતો હોવા છતાં યે હાઈવેના મરામત માટે ખાસ કોઆ ધ્યાન રખાતુ નથી. જેમાં નેશનલ હાઈવે તોરિટીના અધિકારીઓની નિષ્ક્રિયતા જોવા મળતી હોય છે. યાત્રાધામ વિરપુર-જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર ગામ પાસે હાઇવે રોડ તેમજ બિહામણા પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ 6 મહિનાથી તૂટી ગઈ હોવા છતાંય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ ન કરતા કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યા હોય તેવુ વાહન ચાલકો કહી રહ્યા છે. આ ઉપરાંત જેતપુર-વીરપુર હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેને મરામત માટે પણ તંત્રને ફુરસદ મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના નેશનલ હાઈવે પર તંત્ર દ્વારા પુરતું ધ્યાન અપાતુ નથી. જેમાં સૌરાષ્ટ્રના હાઈવેની સ્થિતિ સૌથી બદતર છે. હાઇવે ઓથોરીટી વાહન ચાલકો પાસેથી રોજ લાખો કરોડો રુપિયાનો ટોલટેક્સ વસૂલી રહ્યા છે. તેમ છતાં રોડને મરામત કરવામાં આવતા નથી. કરોડો રુપિયાનો ટોલટેક્સ વસુલતા ટોલ નાકા પાસે રોડ, પુલ રીપેરીંગ કરાવાની હાઈ વે ઓથોરીટીની જવાબદારી હોવા છતાંય રીપેરીંગની કંઈ કામગીરી કરવામાં આવતી નથી. જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર ગામ પાસે નેશનલ હાઇવે 27માં મસ મોટા ખાડાઓ પડી ગયા છે જે રોડ અતિ બિસ્માર હાલતમાં થઈ ગયો છે, જ્યારે વીરપુર પાસે નેશનલ હાઇવે 27 પર આવેલ પુલને બિહામણા પુલ તરીકે ઓળખવામાં આવે છે. પુલની રેલીંગ છેલ્લા 6 મહિનાથી તૂટી ગઇ છે જેમાં થોડા દિવસ પૂર્વે જ પેસેન્જર ભરેલો એક રિક્ષા છકડો પૂલ નીચે ખાબક્તા સ્ટેજમાં રહી ગયો હતો. જો નીચે ખાબક્યો હોત તો ખૂબ મોટી જાનહાની થઇ જ હોત આ બાબતે વીરપુરના જાગૃત યુવાનોએ નેશનલ હાઈવે ઓથોરીટીને અનેકવાર ઓનલાઈન રજુઆતો કરી છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.