ભાવનગરઃ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પહેલાથી જ બિસ્માર હતો. પણ તાજેતરમાં પડેલા વરસાદને કારણે હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેમાં સિહોરથી વરતેજ સુધીના હાઈવે અત્યંત બિસ્માર બની જતાં આ હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આ અંગે સંબધિત અધિકારીઓને રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા છે. આ હાઈવે પર ઊંડા ખાડાંઓને લીધે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. તેથી ત્વરિત ખાડાંઓ પુરવામાં આવે તેવી માગ ઊભી થઈ છે.
સિહોરમાંથી પસાર થતો ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ સિહોરથી વરતેજ સુધી સાવ બિસ્માર બની ગયો છે અને આ માર્ગ પરથી પસાર થવામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે ભાવનગર ડિસ્ટ્રીકટ ચૅમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચૅપ્ટર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર, નેશનલ હાઇ-વે પેટા વિભાગ, અમરેલીને લેખિત રજૂઆત કરી છે. છતાયે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ ચોમાસાની ઋતુ શરૂ હોઇ અગાઉ જે જગ્યાએ નાના મોટા ખાડામાં માત્ર ધૂળમાટી અને કપચી નાખીને પુરવામા આવ્યા હતા. તે તમામ જગ્યાએ પુન: ખાડા પડી ગયા છે. સિહોરથી લઈને વરતેજ બેંક સુધીના રોડની બંને તરફ ઠેક-ઠેકાણે અસંખ્ય ખાડા પડી ગયા છે.
ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે રાત સતત ટ્રાફિકની અવર-જવર સાથે ઘણો જ વ્યસ્ત રોડ છે. જેમાં સિહોરથી વરતેજ સુધીના બિસ્માર હાઈવેથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. વાહનોને પણ નાનું-મોટું નુકશાન થાય છે, સાથે ટુ વ્હીલર વાહનચાલકોને અન્ય વાહનો સાથે અકસ્માતનો ભય રહે છે. આ અંગે અગાઉ પણ રજૂઆતો કરી હતી કે, ગુણવત્તા ધરાવતું મટીરીયલ, સામગ્રી વાપરી તંત્રએ અધૂરી રહેલી રિ-સરફેસની કામગીરી પૂર્ણ કરાવવી જોઇએ પણ કોઇ કારણસર આ બાબતે યોગ્ય કામ થતું નથી.અને આ સમસ્યા ઠેરની ઠેર રહી છે. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તાકીદે કાર્યવાહી થાય તેવી વાહનચાલકોમાં માગ ઊઠી છે.