પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં આબુરોડથી પાલનપુર સુધીના નેશનલ હાઈવે પર તો ઠેર ઠેર જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.
બનાસકાંઠામાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. પાલનપુરથી આબુ રોડ તરફ જતા નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે. પ્રતિદિન આ હાઈવે પરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. મોટા ખાડા પડ્યા હોવાથી વાહનોની એક્સલ તૂટી જવાના અને વાહનોને નુકશાન થવાના બનાવો બની રહ્યા છે. ગુજરાતમાંથી આબુ જતા પ્રવાસીઓ માટે પાલનપુરથી આબુ રોડ સુધી સાવધાનીથી વાહન હંકારવુ જરુરી છે. નહીંતર આબુ રોડ તરફ જવુ મુશ્કેલી સર્જી શકે છે. પાલનપુર થી આબુ રોડ પર વાહન હંકારવુ ખૂબ જ મુશ્કેલ છે. હાલમાં જે રીતે હાઈવે ખાડા પડ્યા છે જેને લઈ વાહન લઈ પસાર થવુ મુશ્કેલ અને જોખમી બન્યુ છે.
વાહનચાલકો એવી ફરિયાદ કરી રહ્યા છે. કે, સામાન્ય વરસાદમાં જ પાલનપુર હાઈવે પર મોટા અને વધારે ખાડા પડ્યા છે. ખાડામાં રોડ છે કે, રોડ પર ખાડા છે એ કહેવુ પણ મુશ્કેલ બન્યુ છે. પાલનપુરના એરોમા સર્કલથી મડાણા પાટીયા પાસે અઢી કિલોમીટરના રસ્તા પર વિશાળ ખાડા સર્જાયા છે. મોટા ભાગના ખાડા બેથી ચાર ફુટ જેટલા ઉંડા અને સાતેક ફુટ જેટલા પહોળા જોવા મળી રહ્યા છે. જેમાંથી વાહનને પસાર કરવુ એટલે જીવ જોખમમાં મુકવા સમાન છે. હાઈવે ઓથોરિટીને ફરિયાદો કરવા છતાંયે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આ વિસ્તારના સાંસદ હાઈવે ઓથોરિટીને રજુઆત કરે તેવી માગ ઊઠી છે.