બોટાદઃ શહેરમાં સામાન્ય બે-ત્રણ ઈંચ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ, ગઢડા રોડ, નાગલપર દરવાજા, હિરા બજાર, ઢાંકણીયા રોડ સહિતનાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા છે.
બોટાદ શહેરને જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ પણ વિકાસથી વંચિત છે. જિલ્લામાં ઉદ્યોગો નથી. અને ખેતી આધારિત એક માત્ર રોજગારીનું સાધન છે. હીરા ઉદ્યોગમાં પણ વ્યાપક મંદી ચાલી રહી છે. બોટાદ નગરપાલિકાના સત્તાધિશો વિકાસના કામોમાં ઊણા ઉતરી રહ્યા છે. પ્રિ-મોન્સુન પ્લાન પણ નિષ્ફળ ગયો છે. શહેરમાં સામાન્ય વરસાદ પડે કે સારો એવો વરસાદ પડે ત્યાં રોડ અને રસ્તાઓની હાલત કફોડી બની જાય છે. જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓ પડે છે, અને વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના પાળીયાદ રોડ, ગઢડા રોડ, ઢાકણીયા રોડ, જ્યોતીગ્રામ સર્કલ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બાદ રોડ પર મસમોટા ખાડાઓ પડતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાત્કાલિક રોડ રસ્તાઓને મરામત કરાવવામાં આવે તેવી માગ ઊઠી છે.
બોટાદ શહેરમાં ચાર દિવસના વિરામ બાદ છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અને ગઈકાલે બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદ હોય કે સારો એવો વરસાદ પડે એટલે રોડ પર ખાડાઓ જોવા મળે છે. વાહનચાલકો જ્યારે પોતાનું વાહન કે બાઇક લઈને નીકળે છે ત્યારે રોડ પર પાણી ભરાયેલા હોવાથી રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી અને વાહનચાલકો અચાનક ખાડામાં પોતાના બાઇક અને કારને નાખે છે અને અકસ્માત પણ સર્જાય છે. પોતાના વાહનને નુકશાન પણ થાય છે ત્યારે વહેલામાં વહેલી તકે રોડ પર ખાડાઓ બુરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો માગ કરી રહ્યા છે.