ભાવનગરઃ શહેરના કોઈપણ જાહેર માર્ગો પર રખડતા પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે.શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા વકરીને બેકાબૂ બનતી હોય છે. શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતોના પણ અનેક બનાવો બની રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ રખડતા ઢોરને પકડવા માટે તદ્દન નિષ્ક્રય જોવા મળી રહ્યા છે. જાહેર માર્ગો પર ઠેર ઠેર પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
ભાવનગરના શહેરીજનો રસ્તે રઝળતા પશુઓનો અસહ્ય ત્રાસ વર્ષોથી વેઠી રહ્યાં છે. શહેરમાં રેઢીયાર પશુઓનો નાનાં મોટાં દરેક વિસ્તારોમાં ત્રાસ જોવા મળી રહે છે, શહેરમાં બારેમાસ પશુઓ રોડપર મુક્ત પણે વિચરણ કરતાં રહે છે પરંતુ ચોમાસાના ચાર માસ માટે આ ત્રાસ અસહ્ય બનતો હોય છે. પશુપાલકો પણ બિન્દાસ્તરીતે પશુઓને રોડ પર છૂટા મુકી દે છે. રખડતા પશુઓ રાહદારીઓ, વાહન ચાલકોને રીતસર બાનમાં લેતા હોય છે તો બીજી તરફ આખલાઓનું રોડ વચ્ચે કયારે દ્વંદ્વ યુધ્ધ શરૂ થઈ જાય અને કોણ અડફેટે ચડે એનું કંઈ જ નકકી નથી હોતું. ચોમાસામાં પશુઓના ટોળેટોળાં રોડપર ઉતરીને રાહદારીઓ, વાહન ચાલકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડવાથી લઈને કેટલાક કિસ્સામાં મોત નિપજાવ્યાના દાખલાઓ પણ મોજુદ છે
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ઢોરવાડામા પુરતી સુવિધાના અભાવે તથા ગંદકીમાં સબડતા પશુઓને ઢોરવાડેથી ખદેડી મુકાતાં પશુઓ ફરીવાર રોડપર ગોઠવાઈ ગયા છે આ મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો હતો પરંતુ આ મુદ્દે હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સ્રકિય બનીને રખડતા પશુઓને ઢોરના ડબ્બે પુરવા અને પશુપાલકો સામે પણ કડક કર્વાહી કરવાની લોકોમાં માગ ઊઠી છે.