ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. જેમાં ખોરજના ખોડિયાર રેલવે સ્ટેશનથી એસજી હાઈવે સુધીના રસ્તા પર કાદવ-કીચડના એટલા મોટા થર જામી ગયા છે. કે, રોડ દેખાતો નથી. કાદવને કારે વાહનો સ્લીપ પણ થઈ રહ્યા છે. આ મુદ્દે તંત્રને રજુઆતો કરવા છતા કોઈ પગલા લેવાયા નથી
વરસાદના કારણે શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. ખોરજ ખોડીયાર રેલ્વે સ્ટેશનથી એસ.જી હાઇવે તરફ જતો માર્ગ વરસાદના કારણે કાદવ કીચડ સાથે લપસણીઓ બની જતા આસપાસના નાના મોટા વેપારીઓના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. આ મામલે પંચાયત અને મ્યુનિ. કોર્પોરેશન તંત્રમાં પણ રજૂઆત કરવા છતાં રોડ પરથી કાદવ-કીચડ હટાવવાનું કામ કરવામાં આવતું નથી. ગાંધીનગર શહેરી વિસ્તાર બિસ્માર રસ્તા, રખડતા ઢોર, દબાણો, ઠેર ઠેર ભૂવા સહિતની સમસ્યાથી પીડાય રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તક વિલીનીકરણ થયેલા ખોરજ ખોડીયાર વિસ્તારમાં પણ ચોમાસાની સિઝનમાં રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે.
ગાંધીનગરમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને લીધે માર્ગો ધોવાઈને ઉબડ ખાબડ બની ગયા છે. જેમાં ખોરજ ખોડીયાર રેલ્વે સ્ટેશન થી એસ.જી હાઇવે તરફનો માર્ગ એટલી હદે બિસ્માર બની ગયો છે. અહીં વરસાદ પડતાં જ રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું ગયું છે. અસહ્ય કાદવ કીચડ થવાથી રોડ લપસણીયો બની જતાં વાહન તો ઠીક ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે.
ખોરજના ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખોરજ ખોડીયાર રેલ્વે સ્ટેશનથી એસ.જી હાઇવે તરફનો માર્ગ બિસ્માર બની ગયો છે. રોડ ઉપર એટલી હદે કાદવ કીચડ થઈ ગયો છે કે રાહદારીઓની સાથે વાહન ચાલકો પણ લપસીને નીચે પડી જવા લાગ્યા છે. વરસાદી સિઝનમાં અહીં પારાવાર મુશ્કેલીઓ સર્જાતી રહેતી હોય છે. કાદવ કીચડના કારણે ગામમાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો ગયો છે. મોટા મોટા વાહનો સિવાય રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી. હવે કોર્પોરેશનમાં આ વિસ્તારનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ફરિયાદ લઈને પંચાયતમાં જઈએ તો ગાંધીનગર કોર્પોરેશનની ખો આપી દેવામાં આવે છે. આ બિસ્માર માર્ગના કારણે વેપાર ધંધા ભાંગી પડ્યા છે. રોડના સમારકામ કામ માટે અવારનવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી.