નવી દિલ્હીઃ ભારતીય સેના અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકી વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી વિકાસ, નવીન ઉકેલો અને સંયુક્ત સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતીય સેના વતી ગરુડ વિભાગના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ સંદીપ જસવાલ અને IIT રૂરકીના ડાયરેક્ટર પ્રોફેસર કેકે પંતે ફેકલ્ટી સભ્યો અને આર્મી અધિકારીઓની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
જનસંપર્ક અધિકારી (સંરક્ષણ) લેફ્ટનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારતીય સેના અને IIT રૂરકી વચ્ચેનો આ સહયોગ તકનીકી નવીનતાઓને આગળ વધારવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે શૈક્ષણિક અને સંરક્ષણ ક્ષેત્ર વચ્ચે તાલમેલ વધારવામાં મદદરૂપ થશે અને ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. તે ભારતીય સેનાની તકનીકી પ્રગતિ માટે જરૂરી સહયોગ, શ્રેષ્ઠતા અને નવીનતાની ભાવનાનું પ્રતીક હશે.