- જાણતી ફિલ્મ નિર્દેશક રવિ ટંડનનું અવસાન
- રવિના ટંડન પર દુખનો પહાડ તૂટ્યો
મુંબઈઃ- કોરોનાકાળ બાદ બી ટાઉનમાંથી સતત અનેક લોકોના સ્વર્ગવાસ પામવાના સમાચાર સામે આવી રહ્યા છે, તાજેતરમાં જ કંઠ કોકિલા લતાએ અંતિમ શ્વાસ લીઘા હતા ત્યારે હવે જાણીતી અભિનેત્રી રવિના ટંડનના પિતા અને જાણીતા નિર્દેશક રવિ ટંડન એ આજે શુક્રવારના રોજ અંતિમ શ્વાસ લીઘા છે,જેને લઈને અભિનેત્રી રવિના ટંડન પર દુખનો પહાડ તૂટ્યો છે.
રવિ ટંડનનું શુક્રવારે સવારે લગભગ 4.45 વાગ્યે તેમના મુંબઈ સ્થિત નિવાસ્થાને નિધન થયું હતું. રવિના ટંડને તેના પિતાના ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. ફિલ્મ જગતના તમામ લોકો તેમની પોસ્ટને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
રવિ ટંડને અમિતાભ બચ્ચન અભિનીત ‘મજબૂર’ અને ‘ખુદ્દાર’ જેવી હિટ આપી હતી. તેમની શરૂઆતની ફિલ્મોમાં ‘અનહોની’ અને ‘ખેલ ખેલ મેં’નો સમાવેશ થાય છે. અભિનેત્રી રવિના ટંડન તેમની પુત્રી છે. સંજીવ કુમારના નજીકના મિત્રોમાંના એક રવિ ટંડને ફિલ્મ નિર્દેશક આરકે નૈય્યરના સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ખ્યાતિ પામી હતી.
‘લવ ઇન શિમલા’ અને ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ ફિલ્મોમાં ફિલ્મ નિર્દેશનની ઝીણવટભરી બાબતો તેઓ શીખ્યા પછી, રવિ ટંડને નિર્દેશક તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘અનહોની’ બનાવી. આ ફિલ્મમાં સંજીવ કુમારના અભિનયની આજે પણ પ્રશંસા થાય છે. આ પછી તેણે ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ બનાવી, જેની રિમેક તરીકે અક્ષય કુમારની ફિલ્મ ‘ખિલાડી’ બનાવી હતી.તેમણે અનેક હિટ ફિલ્મો આપીને બી ટાઉનમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ત્યારે તેમના અવસાનને લઈને બી ટાઉનના લોકો તેમને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.