Site icon Revoi.in

PGVCLમાં 90થી વધુ ઈજનેરોની જગ્યા ભરવા અને પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આંદોલન

Social Share

રાજકોટઃ રાજ્ય સરકાર સંચાલિત પીજીવીસીએલમાં ઘણા લાંબા સમયથી ખાલી રહેલી જગ્યા ભરવા અંગે કર્મચારી યુનિયનો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે.  પીજીવીસીએલમાં 90થી વધુ જુનીયર ઈજનેરથી ચીફ ઈજનેર સુધીની જગ્યાઓ ખાલી  છે. તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં ઈજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઈજનેરોને પર કામનું ભારણ અતિશય વધી ગયું છે તે ઘટાડવું જરૂરી છે. આથી સત્વેર જગ્યાઓ ભરવામાં નહીં આવે તો જીઈબી કર્મચારી યુનિયન દ્વારા 21મીથી વર્ક ટુ રૂલ અને અસરકારક આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

જીયુવીએનએલ દ્વારા પીજીવીસીએલ માટે 67 જુનીયર ઈજનેર તથા નાયબ ઈજનેરની પોસ્ટ મંજુર કરવામાં આવી છે. તે જગ્યાઓને પીજીવીસીએલની સર્વાંગી વિકાસ માટે એચટી વીજ જોડાણ ની અતિ ભારે કામગીરી વાળા ડિવિઝનની મીટર ટેસ્ટીંગ લેબમાં નાયબ ઈજનેરની જગ્યા અપગ્રેડ કરી તાત્કાલીક ભરવી તેમજ સોલાર રૂફટોપની અરજીઓની સંખ્યાના આધારે સબડિવિઝન અને ડિવિઝનમાં નવી જગ્યાઓ મંજુર કરી તાત્કાલીક ભરવાની માગ કરવામાં આવી છે. કર્મચારી યુનિયનની માગણી છે કે, પીજીવીસીએલના વિવિધ વિભાગના ડીઓપી પ્રમાણે દરેકને સોપેલ સતા અને જવાબદારી મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવી. ઈજનેરોની નિવૃતિ સમયે નિવૃતિ વખતની મરણમૂડીના નાણા પરીપત્રોના ખોટા અર્થઘટન કરી રોકવામાં આવે છે જેને જીબીયા સખ્ત શબ્દોમાં વખોડે છે. ઈજનેરોને પ્રમોશનથી વંચિત રાખવામાં આવે છે. તેઓને યોગ્ય માહિતી પુરી પાડવા અપીલ કરી છે. પેટા વિભાગીય કચેરીઓના ઈજનેરોને સંચાલન અને વિવિધ પ્રકારની કામગીરી કરવાની હોય છે. તેઓના કામના ભારણને ધ્યાનમાં રાખતા તેઓને ઈન્સ્ટોલેશન ચેકીંગની કામગીરીમાંથી મુક્તિ આપવા રજુઆત કરાઈ છે. પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા હકારાત્મક નિરાકરણ નહી આવે તો જીબીયા દ્વારા તા.21થી વર્ક ટુ રુલ અને અસરકારક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.