Site icon Revoi.in

MP: પ્રવાસીઓ ભરેલી બસ પુલ પરથી નદીમાં ખાબકતા સર્જાયેલી દુર્ઘટનામાં 15ના મોત

Social Share

ખરગોન: મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં બોરાદ નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ 50 ફૂટ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થવાની શકયતા છે. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનરનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે ખરગોનમાં બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

બસ ખરગોન જિલ્લામાંથી ઈન્દોર જઈ રહી હતી. આ અકસ્માત ખરગોન-થિકરી રોડ પર થયો હતો. બસ નદી પરના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક નીચે પડી ગઈ હતી. જોરદાર અવાજ થયો અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. આ અકસ્માત દસંગા ગામ પાસે થયો હતો.

ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. ગ્રામજનોની સાથે પોલીસ કર્મચારીઓ ઘાયલોની મદદ કરવામાં લાગેલા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ધારાસભ્ય રવિ જોષી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય રવિ જોષી સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, બસો ઓવરલોડ હોય છે અને દરરોજ ખૂબ જ ઝડપે પસાર થાય છે. ઘણી વખત અમે બસ ડ્રાઇવરોને અટકાવ્યા, પરંતુ તેઓ દાદાગીરી કરે છે.