MP ચૂંટણી 2023: કોંગ્રેસને ‘ઓપરેશન લોટસ’નો ડર, પરિણામો પહેલા જ ઉમેદવારો લેશે શપથ
ભોપાલઃ મધ્યપ્રદેશ કોંગ્રેસ પહેલાથી જ ‘ઓપરેશન લોટસ‘ના ભયનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા જ નિષ્ઠા, પ્રામાણિકતા અને પક્ષ ન છોડવા તથા પક્ષ સાથે રહેવાના શપથ લેવડાવશે. 26 નવેમ્બરે ભોપાલમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં આ શપથ લેવડાવવામાં આવશે. આ દિવસે કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોને મત ગણતરીની તાલીમ માટે ભોપાલ લેવાયા હતા.
માનવામાં આવી રહ્યું છે કે, તે જ દિવસે ટ્રેનિંગ બાદ આ શપથ લેવડાવવામાં આવશે. જેથી પરિણામ જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર ધારાસભ્ય બન્યા બાદ લાલચમાં ન આવે. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ તમામ ઉમેદવારો પર નજર રાખશે. કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ ધારાસભ્યોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
2018માં જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં આવી ત્યારે ‘ઓપરેશન લોટસ‘ને લઈને ઘણી ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા, જેના કારણે કોંગ્રેસે ફરીથી સત્તા ગુમાવી હતી. અહીં કોંગ્રેસ પ્રોમિસરી નોટ કમિટીના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર સિંહએ જણાવ્યું હતું કે, દૂધનો ધાજેલો છાસ પણ ફુંકી-ફુંકીને પીવે છે. ગત વખતે ગેરસમજને કારણે કેટલીક ભૂલો થઈ હતી, પરંતુ આ વખતે તમામ વરિષ્ઠ નેતાઓ ઉમેદવારોના સંપર્કમાં છે. ભૂલને અવકાશ રહેશે નહીં. સિંહે દાવો કર્યો કે કોંગ્રેસમાં કોઈ મોટો નેતા નથી. કમલનાથ સૌથી વરિષ્ઠ છે. આવી સ્થિતિમાં આ વખતે સ્થિતિ પહેલા જેવી નહીં રહે.